રાજકોટમાં પરિણીતાની થયેલી હત્યા બાદ આખા શહેરમાં ચકચાર મચી હતી. હવે આ કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મહિલાની હત્યા કોઈ અજાણ્યા શખ્સે નહીં, પરંતુ તેના જ પતિએ જ કરેલી હતી.
છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર પતિ ઉપર શંકા કરતી
પોલીસના જણાવ્યા મુજબ પત્ની છેલ્લા દોઢ વર્ષથી અવારનવાર પતિ ઉપર શંકા કરતી અને રોજ ઝઘડો કરતી હતી. સતત ચાલતી માથાકૂટથી કંટાળીને અંતે પતિએ ક્રોધવશ આવીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો સ્વીકાર કર્યો છે.
પતિએ 4 ફૂટનો લોખંડનો સળિયો લઈને પત્નીના માથા અને મોઢાના ભાગે ગંભીર ઘા કર્યા
ઘટના સ્થળેથી મળેલી માહિતી પ્રમાણે પતિએ 4 ફૂટનો લોખંડનો સળિયો લઈને પત્નીના માથા અને મોઢાના ભાગે ગંભીર ઘા કર્યા હતા. તે પહેલા પતિએ પત્નીને “વિધિ કરવા જવાનું છે” કહીને ઘરે પરથી બોલાવી હતી અને અવાવરુ સ્થળે લઈ જઈ દાગીના ઉતરાવ્યા હતા.
પત્ની પાણીપુરી ખાવા ગઈ હતી
પછી પતિએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કહેલું કે પત્ની પાણીપુરી ખાવા ગઈ હતી અને પાછી પરત આવી ન હતી. પરંતુ સ્કૂટી અને તેના કપડાં પર લાગેલા લોહીના ડાઘોએ આખું રહસ્ય ખોલી નાખ્યું. આ આધાર પર પોલીસને પતિ પર શંકા ગઈ અને કડક પુછપરછમાં આખું ભેદ બહાર આવ્યું. પોલીસે હવે આરોપી પતિને કસ્ટડીમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે.


