સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બી. આર. ગવઈએ નિવૃત્તિ બાદ કોઈપણ સરકારી પદ સ્વીકારવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે, જ્યારે તેમના કાર્યકાળ દરમિયાન બનેલી ‘બુટ ફેંકવાની’ ઘટના અને તેમને ‘હિન્દુ વિરોધી’ ગણાવવા પર પણ તેમણે પ્રતિક્રિયા આપી છે. ઇન્ડિયા ટુડે/આજતક સાથેના એક ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન જસ્ટિસ ગવઈએ અનેક સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાનો મત રજૂ કર્યો હતો.
કોઈ પણ નોમિનેશન સ્વીકારશે નહીં
પૂર્વ CJIએ સ્પષ્ટપણે કહ્યું કે, તેમને ‘એન્ટી-હિન્દુ’ કહેવું સંપૂર્ણપણે ખોટું છે. બુટ ફેંકવાની ઘટનાનો તેમના પર કોઈ પ્રભાવ પડ્યો ન હતો, પરંતુ તે પછી તેઓ કોર્ટની ટિપ્પણીઓ અંગે વધુ સતર્ક થઈ ગયા છે, કારણ કે નિર્દોષ વાતોને પણ સોશિયલ મીડિયા પર તોડી-મરોડીને રજૂ કરવામાં આવી શકે છે. જસ્ટિસ ગવઈએ ભારપૂર્વક જણાવ્યું કે, નિવૃત્તિ પછી તેઓ રાજ્યપાલ કે રાજ્યસભા માટેનું કોઈ પણ નોમિનેશન સ્વીકારશે નહીં. જોકે, તેમણે રાજકારણમાં જવાની શક્યતાનો સંપૂર્ણ ઇન્કાર કર્યો નથી. તેમણે સંસદને અપીલ કરી છે કે, હેટ સ્પીચને રોકવા માટે એક મજબૂત અને સ્પષ્ટ કાયદો બનાવવો જોઈએ, કારણ કે તે સમાજને વિભાજિત કરે છે.
બુલડોઝર ન્યાય અંગે શું કહ્યું?
બુલડોઝર ન્યાયના મુદ્દા પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે, બુલડોઝરના શાસન પર કાયદાનું શાસન હાવી થવું જોઈએ, અને કાયદાનું અમલ થવું જરૂરી છે. આ સાથે તમણે PMIA કેસ અંગે કહ્યું કે, PMLA (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ) ના કેસોમાં ફરી એકવાર જેલ નહીં, પણ જમાનત (Bail) પર ભાર મૂકવો જોઈએ.
ન્યાયિક ભ્રષ્ટાચાર અંગે શું કહ્યું?
તેમને બેન્ચ ફિક્સિંગ અંગે સવાલ કરવામાં આવ્યો હતો. રાજકીય રીતે સંવેદનશીલ કેસોમાં ‘બેન્ચ ફિક્સિંગ’ના આરોપોને તેમણે સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે, તેમના કાર્યકાળ દરમિયાન સરકાર તરફથી કોઈ દબાણ કે હસ્તક્ષેપ કરવામાં આવ્યો ન હતો. તેમણે કોલેજિયમ વ્યવસ્થાને જાળવી રાખવાની તરફેણ કરી છે. ન્યાયિક ભ્રષ્ટાચાર અંગે તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારના આરોપોની તપાસ અને સજાની પ્રક્રિયાને ઝડપી અને અસરકારક બનાવવાની સંસદની જવાબદારી છે.


