ડભોઈ પોલીસે વડોદરી ભાગોળ પાસેથી કારમાં લઈ જવાતો રૂા.6.60 લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. જ્યારે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ડભોઈ પોલીસને બાતમી મળેલી કે છોટાઉદેપુર બોડેલી થઈ ડભોઈ વડોદરા તરફ એક કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરાઈ રહી છે. જેને લઈને પોલીસે તરસાણા ચોકડી પાસે વાહનોની આડાશ કરી નાકાબંધી કરી હતી.
દરમિયાન બાતમીમુજબની કાર આવતાં કારના ચાલકે પોલીસને જોઈ દૂરથી કારને મહુડી ભાગોળથી વડોદરી ભાગોળ તરફ તાઈવાગામાં પંચોલી જ્ઞાતિની વાડી તરફ વાળી હતી. જ્યાં રસ્તો બંધ થઈ જતાં ચાલક વાડીના ગેટ પાસે કાર મુકી ફરાર થઇ ગયો હતો. જેની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતાં. પોલીસે કુલ રૂા.6,60,334નો દારૂ અને બીયરનો જથ્થો તેમજ કાર મળી કુલ રૂા.10,660,334નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે.


