બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સના કારણે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વચ્ચે જિલ્લામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ડ્રગ્સની હેરાફેરી રિક્ષામાં કરવામાં આવી રહી હતી. નેનાવા બોર્ડર પર ચેકિંગ કરતા સમયે આ ડ્રગ્સ ઝડપાયું હતું.
રિક્ષામાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો
ઘટનાની મળતી વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં આવેલી નેનાવા બોર્ડર પાસે વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક રિક્ષામાંથી MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. અમદાવાદના ત્રણ શખ્સો 47.10 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયા છે. આ ઈસમો રિક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. આ મામલે ધાનેરા પોલીસ દ્વારા આ ત્રણ ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે.
રાજસ્થાનમાંથી ગુજરાતમાં પહોંચે તે પહેલા જ બનાસકાંઠા પોલીસે ઝડપી લીધું એમડી ડ્રગ્સ
પોલીસે આ 47.100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે કુલ રૂપિયા 352550નો મુદ્દામાલ સાથે અમદાવાદના ફેસલઈકબાલ વલીમહમદ મેમણ, મહોમદશાહરુખ મહેબુબ હુસેન મીર અને ફેઝાન અહેમદ શેખની ધરપકડ કરી છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં એમડી ડ્રગ્સ પહોંચે તે પહેલા જ બનાસકાંઠા પોલીસે આ શખ્સોને પકડી લીધા છે. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો – Rajkot News: શિયાળામાં સસ્તા થવાની જગ્યાએ મોંઘા થયા શાકભાજી, જાણો ભાવ


