રાજ્યમાં ઠંડીમાં વધારો થયા બાદ ગત બે દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો છે. આ અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. હાલ રાજ્યમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાઈ રહ્યું છે. જે ગરમ પવન અને ભેજના કારણે છે. નવેમ્બરની આખરમાં પણ ગુજરાતીઓને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી. રાજ્યના હવામાન વિભાગ તરફથી મળેલા અહેવાલો મુજબ, હાલમાં તાપમાનનો પારો સામાન્ય કરતાં વધારે ઊંચો રહેતા લોકોએ ગરમીનો અનુભવ કરવો પડી રહ્યો છે.
ગરમી વધવાના મુખ્ય કારણો
હાલમાં પવનની દિશા દક્ષિણ પૂર્વથી પૂર્વ તરફની હોવાથી ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ ગરમ પવનો તાપમાનમાં વધારો કરી રહ્યા છે. આ સાથે જ હવામાં ભેજનું પ્રમાણ વધવાથી પણ તાપમાન ઊંચકાયું છે, જેના કારણે બફારા જેવી સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે.
આગામી દિવસોમાં રાહતની આશા
હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં તાપમાનમાં વધારો-ઘટાડો થવાની શક્યતા ઓછી છે, પરંતુ ગરમીનું આ અસામાન્ય મોજું ટૂંક સમયમાં જ વિદાય લેશે. પવનની દિશામાં ફેરફાર થવાથી આ રાહત મળશે. ફરીથી ઉત્તર પશ્ચિમી પવનો શરૂ થતાં જ રાજ્યમાં ઠંડક પ્રસરી જશે અને ગરમીનું જોર ઘટશે.
આ પણ વાંચો – Rajkot News: દુષ્કર્મ આચરી લગ્ન તોડાવ્યા, શિક્ષકે વટાવી માનવતાની તમામ હદો


