હારીજ તાલુકાના વાંસા ગામની સીમમાં ગેરકાયદે ખેતરમાં ખુલ્લી જગ્યામાં એક શખ્સ દ્વારા બહારથી માણસો બોલાવી હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે પાટણ LCB પોલીસે રેડ કરતા જુગાર રમતા 4 શખ્સો પોલીસને જોઈ નાસી છૂટયા હતા જ્યારે સ્થળ પરથી બે શખ્સોને રૂપિયા 21,200 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. પાટણ LCB ના માણસો હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે સમયે બાતમી મળી હતી કે હારીજ તાલુકાના વાંસા ગામની સીમમાં વાટ તરીકે ઓળખાતી સીમમાં છોટાજી ઠાકોર નામનો શખ્સ બહારથી માણસો બોલાવી બનાવેલ ઢાળીયામાં હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. જેના આધારે પોલીસે રેડ કરતા જુગાર રમતા શખ્સો પૈકી મફાભાઈ ઉપાધ્યાય તથા પ્રકાશજી ઠાકોર નામના બંને શખ્સો પોલીસ પકડમાં આવી ગયાં હતાં જ્યારે છોટાજી ઠાકોર, હકાજી ઠાકોર, મનુજી ઠાકોર અને અમરતજી ઠાકોર પોલીસને જોઈ ખુલ્લી જગ્યાનો લાભ લઈ નાસી છૂટયા હતા પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ 21,200 જપ્ત કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.


