કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર વચ્ચેના વિવાદને ઉકેલવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. બંને નેતાઓએ વચ્ચે બ્રેકફાસ્ટ મીટિંગ યોજાઇ હતી. ત્યારબાદ બંનેએ સંયુક્ત એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે તેમની વચ્ચે કોઈ મતભેદ નથી, અને ભવિષ્યમાં પણ નહીં હોય.
અમારી વચ્ચે કોઇ મતભેદ નથી- સિદ્ધારમૈયા
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે 2028ની ચૂંટણીઓ અમારા માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મહત્વપૂર્ણ છે. અમે તેની ચર્ચા કરી હતી. અમે 2028ની ચૂંટણીમાં કોંગ્રેસને ફરીથી સત્તામાં લાવવાની પણ ચર્ચા કરી હતી. અમે ચર્ચા કરી હતી કે અમે સાથે મળીને ચૂંટણી લડીશું. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી, અને ભવિષ્યમાં પણ નહીં હોય.
નાસ્તો સારો હતો- સિદ્ધારમૈયા
તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે હાઇકમાન્ડ જે કહેશે તેનું પાલન કરીશું. હવે કોઈ મૂંઝવણ નહીં થાય. હજુ પણ કોઈ મૂંઝવણ નથી. કેટલાક મીડિયા રિપોર્ટરોએ મૂંઝવણ ઊભી કરી છે. સીએમ સિદ્ધારમૈયાએ એમ પણ કહ્યું કે નાસ્તો સારો હતો. અમે ત્યાં બીજી કોઈ વાત કરી નથી. અમે ફક્ત નાસ્તો કર્યો. ડીકેએસ આજે અમારા ઘરે આવ્યા હતા.


