કચ્છ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ હેઠળ યોજાયેલા બે દિવસીય એન્યુમેરેશન ફોર્મ જમા કરવાના મેગા કલેક્શન કેમ્પમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. અગાઉ કચ્છની છ વિધાનસભા વિસ્તારના 1848 મતદાન મથકો પર ચાર દિવસ સુધી બીએલઓ દ્વારા ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા, પરંતુ બાકી રહી ગયેલા મતદારો માટે ચૂંટણી પંચે આ ખાસ કેમ્પનું આયોજન કર્યું છે.
મતદારો નિયત કેમ્પ સ્થળોએ ઉમટી પડ્યા
આજે શનિવારે, પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મતદારો નિયત કેમ્પ સ્થળોએ ઉમટી પડ્યા હતા અને પોતાના ફોર્મ જમા કરાવ્યા હતા. જવાબદાર કર્મચારીઓએ બપોરના 12 કલાકથી જ કામગીરી સંભાળીને મતદારોને 2002ની મતદાર યાદીમાંથી નામ શોધવામાં સહિતની મૂંઝવણોમાં મદદ કરી હતી.
અધિકારીઓ અને નેતાઓએ કરી સમીક્ષા
કેમ્પની કામગીરીની ગંભીરતાને ધ્યાનમાં લઈને, વરિષ્ઠ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું. ધારાસભ્ય કેશુભાઇ પટેલે મુલાકાત બાદ જણાવ્યું હતું કે, મતદારોએ આની ગંભીરતા સમજવી જરૂરી છે, કારણ કે મતદાર યાદીમાં નામ ન હોય તો તેને ઉમેરવા માટે ભવિષ્યમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આવતીકાલે ફોર્મ પરત આપવાનો છેલ્લો દિવસ
પ્રાંત અધિકારી અનિલ જાદવે વિનંતી કરી છે કે એસઆઇઆરની કામગીરી પૂર્ણ થવામાં માત્ર ગણતરીના દિવસો બાકી છે, જેની ડેડલાઈન 4 ડિસેમ્બર છે. તેથી, જે મતદારોના ફોર્મ બાકી હોય તેઓ આવતીકાલે, રવિવાર, તા. 30/11 ના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 કલાક સુધીમાં ફરજિયાતપણે જમા કરાવી દે. આવતીકાલે ફોર્મ પરત આપવાનો છેલ્લો દિવસ છે. આ મેગા કેમ્પ અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર વિભાગમાં નિયત કરાયેલી મામલતદાર કચેરીઓ અને અન્ય સ્થળોએ યોજાયો છે.
આ પણ વાંચો – અમદાવાદની નરોડા પોલીસે BLOની ઓળખ આપી ફરાર આરોપીને ઝડપ્યો, જુઓ Video


