શ્રીલંકામાં ચક્રવાતી વાવાઝોડાં દિતવાહને કારણે પૂરની પરિસ્થિતિ ઉભી થઇ ગઇ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. વાવાઝોડાંને કારણે અત્યાર સુધીમાં 150થી વધારે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અનેક લોકો હજુ પણ લાપતા છે. વાવાઝોડાં દિતવાહને કારણે રાષ્ટ્રપતિ કુમારા દિસાનાયકે આખા દેશમાં આપાતકાલની જાહેરાત કરી છે.
ભારતે 21 ટન રાહતની સામગ્રી શ્રીલંકા મોકલી
ભારતે 21 ટન રાહતની સામગ્રી શ્રીલંકા મોકલી
આ વચ્ચે ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ બે સૈન્ય વિમાનો દ્વારા 21 ટન રાહત સામગ્રી શ્રીલંકા મોકલી છે.છ ટનથી વધુ આવશ્યક સામગ્રીનો પહેલો જથ્થો એક દિવસ પહેલા પહોંચાડવામાં આવ્યો હતો. હાલ ચક્રવાત શ્રીલંકાથી ધીમે ધીમે દૂર જતા પાણીનું સ્તર ઘટી રહ્યું છે, પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી છે કે તેની પરોક્ષ અસરો હજુ પણ ચાલુ રહેશે.
191 લોકો હજુ પણ લાપતા
DMCના રિપોર્ટ અનુસાર, ખરાબ હવામાનને કારણે મરનારની સંખ્યા વધીને 153 થઇ ગઇ છે. જ્યારે આ વાવાઝોડાંને કારણે 191 લોકો હજુ પણ લાપતા છે અને અનેક જિલ્લાઓમાં શોધખોળ અભિયાન ચાલુ છે. કુલ 25 જિલ્લામાં 2,17,263 પરિવારોના 7,74,724 લોકો આ વાવાઝોડાંને કારણે પ્રભાવિત થયા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા લોકોને ચેતવવામાં આવ્યા છે.


