રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં નવી 6 ડીઈઓ કચેરીને મંજૂરી આપતો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો હતો. આ ઠરાવમાં અમદાવાદ શહેર ડીઈઓ કચેરીને પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચવામાં આવી હતી. આ વિભાજનમાં મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારની હદનો જ છેદ ઉડાડી દેવાયો હોવાની ફરિયાદો ઊઠી હતી.
સાબરમતી નદીની બે બાજુના વિસ્તાર પૂર્વ-પશ્ચિમ ગણી મ્યુનિ. વિસ્તારની તમામ સ્કૂલોના બે ભાગ કરવાની માગ ઉઠતાં કમિટી બનાવવાનો નિર્ણય લેવાયો છે. વિભાજનના ઠરાવ વખતે જ વિવાદ થતાં શિક્ષણમંત્રીએ વિભાગના અધિકારીઓ સાથે બેઠક બોલાવી કમિટી બનાવવાની સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં કમિટી જાહેર કરવામાં આવશે.
શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, અમદાવાદમાં માત્ર શહેર ડીઈઓ કચેરીમાં આવતી 1,892 સ્કૂલોને બે ભાગમાં વહેંચી દેવાઈ છે, જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં 1,242 અને પશ્ચિમ વિસ્તારમાં 650 સ્કૂલોનો સમાવેશ કરાયો છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ ડીઈઓ કચેરીના વિભાજનમાં અમદાવાદ મ્યુનિ. હદ વિસ્તારની શાળાઓને સાબરમતી નદીને ધ્યાને રાખી વહેંચણી કરવાની સ્થાનિક ધારાસભ્યો તેમજ સંચાલકો દ્વારા માગ કરાઈ હતી, પરંતુ ધારાસભ્યો અને સંચાલકોની રજૂઆતને અભરાઈએ ચડાવી દીધી હોય એ રીતે ડીઈઓ કચેરીનું વિભાજન કર્યું . હદ વિસ્તારમાં આવતી સ્કૂલો અત્યારે છસ્ઝ્ર સ્કૂલ બોર્ડને બાદ કરતાં કુલ ચાર કચેરીઓમાં વહેંચાયેલી છે. અમદાવાદ શહેર ડીઈઓ, ગ્રામ્ય ડીઈઓ, ડીપીઈઓ તેમજ ચાંદખેડા, વટવા સહિતના વિસ્તારની કેટલીક સ્કૂલો ગાંધીનગર ડીઈઓ કચેરીમાં સામેલ છે. જેથી ઠરાવ બાદ સંચાલકોએ ફરી રજૂઆત કરી હતી કે, મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારને ધ્યાને રાખી વિભાજન કરવામાં આવે. એટલું જ નહીં, સ્કૂલોની માગ હતી કે અમને એક જ અધિકારી સોંપવામાં આવે. એટલે કે અત્યારે પ્રાથમિક શહેરમાં અને હાઈસ્કૂલ ગ્રામ્યમાં આવે છે એના બદલે ધોરણ.1થી 12 સુધીમાં એક જ ડીઈઓ લાગે એ રીતે વિભાજન કરવામાં આવે.


