મોરબી જિલ્લાના હળવદ શહેરમાં લૂંટની ગંભીર ઘટના સામે આવી છે. માર્કેટિંગ યાર્ડના એક વેપારી પાસેથી લૂંટારૂઓ રૂપિયા 7 લાખની રોકડ રકમ ઝૂંટવીને ફરાર થઈ ગયા છે. વેપારી રજનીભાઈ યાર્ડમાંથી પોતાનો વેપાર પતાવીને પરત ફરી રહ્યા હતા. આ સમયે રાણેકપર રોડ પર આવેલા આનંદ બંગલો નજીક અજાણ્યા બે શખ્સો બાઇક પર આવ્યા હતા. લૂંટારૂઓએ વેપારીની આંખમાં મરચું નાખીને હુમલો કર્યો હતો.
વેપારી યાર્ડમાંથી પરત ફરતા સમયે બની ઘટના
વેપારી કંઈ સમજે તે પહેલાં જ લૂંટારૂઓ રૂપિયા 7 લાખ ભરેલો રોકડનો થેલો ઝૂંટવીને સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરીને લૂંટારૂઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વેપારીની આંખમાં મરચું પડતા તેઓ થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી લૂંટારૂઓનો સગડ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.


