રાજકોટ મહાપાલિકાના સસ્તા ભાડાના કોમ્યુનિટી હોલ ગરીબ અને મધ્યમવર્ગના પ્રસંગોમાં પહેલી પસંદગી બનતા હોવાથી જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસના ચિક્કાર લગ્નગાળામાં હાઉસફૂલ થઈ ગયા છે. મહાપાલિકા દ્વારા 90 દિવસ પહેલા બુકિંગ થઈ શકતું હોવાથી આ લગ્ન હોલ એડવાન્સમાં પણ પેક થઈ જતા હોય છે. ડિસેમ્બરમાં માત્ર ત્રણ જ લગ્ન મુહૂર્ત છે એટલે તેમાં પણ પુરતા બુકિંગ રહ્યા છે જયારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લગ્નના જેટલા મુહૂર્ત છે તે તમામમાં લગ્નહોલ પેક રહ્યા છે.
મનપા પાસે 19 સ્થળે 28 યુનિટમાં કોમ્યુનિટી હોલ આવેલા છે અને તેના 2,000થી માંડીને 60 હજાર સુધીના ભાડા છે. 60 હજારના ભાડામાં વાતાનુકૂલ લગ્નહોલ મળી જતા હોય છે. જયારે નાના અને મધ્યમ હોલના ભાડા રૂ.2,000થી રૂ.6000 સુધીની રેન્જમાં આવી જતા હોવાથી મધ્યમવર્ગીય પરિવારો માટે તે ઉપયોગી સાબિત થાય છે. મનપાના લગ્નહોલમાં જાન્યુઆરી માસમાં 146 અને ફેબ્રુઆરી માસમાં 202 મળી કુલ 60 દિવસમાં 373 બુકિંગ થયા છે. રૈયા રોડ ઉપરના ગુરુ ગોવિંદસિંહ જેવા નાના કોમ્યુનિટી હોલ છે તો સાથે અમૃત ઘાયલ હોલ, અભયભાઈ ભારદ્વાજ હોલ અને રણછોડદાસજી હોલ જેવા મોટા અને વાતાનુકુલ યુનિટ ધરાવતા સુવિધાસભર હોલ પણ છે. મનપા દ્વારા દરેક વોર્ડમાં એક એક કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે જે અપુરતા સાબિત થઈ રહ્યા હોવાથી વધારાના હોલ બનાવવા માટે પણ આયોજનો કરાયા છે.


