વડોદરા શહેરમાં અકસ્માતનોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આવામાં શહેરનો સમા વિસ્તાર અકસ્માત ઝોન બન્યો હોય તેમ જણાઈ રહ્યું છે. આ વિસ્તારમાં આવેલા ત્રણ રસ્તા પર એક જ દિવસમાં ત્રણ-ત્રણ અકસ્માત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે સ્થાનિકો દ્વારા ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાના નિવારણ માટે નક્કર પગલા લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
એક જ સ્થળ પર અલગ અલગ સમયે ત્રણ અકસ્માત નોંધાયા
વડોદરા શહેરમાં આવેલા સમા વિસ્તારમાં એક દિવસમાં એક જ સ્થળે ત્રણ અકસ્માત સર્જાય છે. જે કારણે આ વિસ્તાર ગોઝારો બન્યો હોય તેમ જણાઈ રહ્યું છે. સમા વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી ત્રણ રસ્તા અકસ્માતનું કેન્દ્ર બન્યું છે. જ્યાં એક જ સ્થળ પર અલગ અલગ સમયે ત્રણ અકસ્માત નોંધાયા છે. આત્રણેય અકસ્માતના CCTV સામે આવ્યા છે. હવે સવાલ એ થાય છે કે આ અકસ્માતનું કારણ વાહન ચાલકોની બેદરકારી છે કે અવ્યવસ્થા?


