વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે તાજેતરમાં દિલ્હી સંસદ ભવન ખાતે કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે પોતાના મત વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના નાગરિકોની સુખાકારી માટે રેલવે અને સ્વાસ્થ્ય જેવી પાયાની સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી હતી
રેલવે સુવિધાઓ અંગે ચર્ચા અને આભાર વર્ષા
સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ખાસ મુલાકાત કરી હતી. આ બેઠકમાં તેમણે વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનો પર માળખાકીય સુવિધાઓ વધારવા અને મુસાફરો માટે વધુ ઉપયોગી સવલતો ઉપલબ્ધ કરાવવા બાબતે વિગતવાર રજૂઆત કરી હતી. આ ઉપરાંત વલસાડ રેલવે વિભાગ દ્વારા ભૂતકાળમાં બંધ કરવામાં આવેલા બે રસ્તાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે બદલ ધવલ પટેલે વલસાડની સમગ્ર જનતા વતી કેન્દ્રીય રેલ મંત્રીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. આ નિર્ણય થકી સ્થાનિકોને પરિવહનમાં મોટી રાહત મળી છે
સ્વાસ્થ્ય સેવાઓના વિસ્તરણ અંગે રજૂઆત
સાંસદ ધવલ પટેલે કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડા સાથે પણ રૂબરૂ મુલાકાત કરી હતી, આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય દક્ષિણ ગુજરાતના છેવાડાના માનવી સુધી ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો હતો. ધવલભાઈ પટેલે વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સારી બનાવવા તેમજ લોકોને ઘરઆંગણે અધતન સારવાર મળે તે માટે ગહન ચર્ચાઓ કરી હતી.
પ્રશ્નોનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી
આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. આ સાથે તેમણે સાંસદ ધવલ પટેલના પ્રશ્નોનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી, આમ, સંસદ સત્ર દરમિયાન લોકસભાના દંડક તરીકેની વ્યસ્ત કામગીરી વચ્ચે પણ ધવલભાઈ પટેલે પોતાના મતવિસ્તારના વિકાસકામોને પ્રાધાન્ય આપી જનહિતલક્ષી અભિગમ દાખવ્યો છે.


