દક્ષિણઝોનના દાણીલીમડાં વોર્ડમાં ગામકૂવો મેવાતીની ચાલીની સામેના ભાગમાં આવેલા પૌરાણિક મંદિરો તોડીને તંત્રની પરવાની લીધા વિના ગેરકાયદે બિલ્ડીંગ બાંધી દીધું હોવાની સ્થાનિક મ્યુનિ.કોર્પોરેશનની કચેરીથી લઇ કલેકટર સુધી ફરિયાદો કરાઇ હતી.
જેમાં કોઇ ઉકેલ નહીં આવતાં અંતે ગાંધીનગર ફરિયાદ કરાતા મુખ્યમંત્રી કાર્યલયએ તપાસ કરવા આદેશ કર્યો છે. હાલમાં એક જ મંદિર છે, તેની પર ઉપર પણ ગેરકાયદે બિલ્ડીંગ ખડકી દેવાયું છે.
દાણીલીમડાં વોર્ડમાં ટી.પી.સ્કીમ નં.37/1, રેવન્યુ સર્વે નં.64+65/એસ-1 અને એફ.પી.નં.72 સહિત રે.સર્વે નં.46 પૈકી ગાયત્રી સોસાયટીમાં ઐતિહાસિક મંદિરો તોડી નાંખવામાં આવ્યા હતાં અને ત્યાં ગેરકાયદે બિલ્ડીંગ ઊભું કરી દેવાયું હતું. હાલમાં એક જ બિલ્ડીંગ છે, જેની પર બિલ્ડીંગ બાંધેલું જણાય છે. આ અંગે ફરિયાદ કરવા છતાં દક્ષિણઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ કાર્યવાહી કરતાં ડરતા હોવાનું મનાય છે. ખરેખર તો મંદિરો તોડનાર તત્વો સામે કાર્યવાહી થવી જોઇએ. પરંતુ મ્યુનિ. એસ્ટેટ વિભાગના અધિકારીઓ કાર્યવાહી નહીં કરતાં સ્થાનિક લોકોએ મ્યુનિ. કમિશનરથી લઇ કલેકટર અને ગાંધીનગર સુધી ફરિયાદો કરી હતી.
ફરિયાદમાં જણાવાયું હતુંકે, આ સ્થળ પર ત્રણ મંદિરો હતાં. તમામ પૌરાણિક મંદિરો હતાં. પરંતુ હાલમાં એક મંદિર છે, તેની ઉપર પણ બિલ્ડીંગ બનાવી દેવાયું છે. આ મંદિર તોડી પડાયું નથી. જે પુરાવો છે. આ સિવાય અશાંતધારાની પરવાનગી વિના ગાયત્રી સોસાયટીમાં મકાનના સોદાઓ પણ શંકાસ્પદ છે. રાજકીય વગ ધરાવતા સ્થાનિક ભૂમાફિયાઓએ બિલ્ડીંગ ઊભું કર્યાની વારંવાર ફરિયાદો છતાં સ્થાનિક મ્યુનિ. અધિકારીઓએ ચૂપકિદી સેવી હતી. મંદિર પર બંધાયેલું બિલ્ડીંગ પણ ભયજનક છે, ગમે ત્યારે પડી જાવાની શક્યતા છે. આ અંગે સબંધિત તંત્રને જાણ પણ કરાઇ છે. પરંતુ હજી સુધી પગલાં ભરાયા નથી. અશાંતધારાની પરમીશન વગર કેવી રીતે ખરીદ-વેચાણ થઇ શકે ? તે અંગે પણ તપાસ જરૂરી હોવાની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે. મંદિરોની જગ્યા ખુલ્લી કરીને ફરી બાંધવા મંજૂરી આપવા સહિતની કાર્યવાહી કરવા મુખ્યમંત્રી કાર્યલયને રજૂઆત કરાઇ હતી. જેમાં મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.


