ગોધરા શહેર પોલીસ મથકના વિસ્તારો તેમજ ગામોમાં વિવિધ સમયાંતરે ડ્રોન કેમેરા દ્વારા પશુ તસ્કરી કે ગૌવંશ હત્યા ઉપર બાજ નજર રખાશે અને સર્વેલન્સ કરાશે. ગોધરા શહેરમાં ટ્રાફિકના નિયમન માટે પણ ડ્રોનનો ઉપયોગ કરાશે.
ગોધરા શહેર ગૌ વંશની કતલ અને હેરાફેરી માટે જાણીતું છે. આ પરિસ્થિતિ બદલવા તાજેતરમાં પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હરેશ દુધાતે ગેરકાયદે ગૌતસ્કરી તથા ગૌહત્યા અટકાવવા માટે ગૌરક્ષા સ્કવોડની રચના કરી છે. જેની રચના બાદ લીલેસરા, દયાલ કાંકરા, સારંગપુર જેવા ગામોના પશુપાલકોએ પશુ અને ગૌવંશની તસ્કરી રોકવા બાબતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રજૂઆત કરી હતી. આ કાર્યવાહી અંતર્ગત ગત રોજ જિલ્લા પોલીસ અધિક્ષક તથા અન્ય પોલીસ કર્મીઓએ આ ગામોમાં વિઝીટ કરી ડ્રોન કેમેરાથી સર્વે કર્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, શહેરના સબંધિત પોલીસ મથકના અધિકારી તથા કર્મચારીઓ દ્વારા હવે તેમના વિસ્તાર અને ગામોમાં નિશ્ચિત સમયગાળામાં ડ્રોન કેમેરા વડે પશુ તથા ગૌતસ્કરી ઉપર બાજ નજર રખાશે. આ ઉપરાંત જ્યાંથી સૌથી વધુ પશુ અને ગૌતસ્કરી થાય છે, તેવા ગામોના અવરજવરના રસ્તા અને ઝાંપા બનાવવામાં આવશે. જેથી ત્યાંથી અવરજવર કરતાં લોકો પર નજર રાખી શકાય, અને પશુ તસ્કરી ઉપર કાબુ મેળવી શકાય. ઉપરાંત તબેલાની આજુ બાજુ કોઈ રહેણાંક વિસ્તાર ના હોય ત્યાં રાત્રી સમયે ફ્રજિયાત એક માણસ મુકવા માટે સૂચના આપી છે. ડ્રોન કેમેરાનો ઉપયોગ ગોધરામાં ટ્રાફ્કિ નિયમન માટે પણ કરાશે.
https://sandesh.com/maru-saher-maru-gaam


