ભારતીય એરલાઇન ઇન્ડિગોની ફલાઈટ ફરી એક વખત રદ થઈ. દેશભરના અનેક એરપોર્ટ પરથી તેની ફ્લાઇટ્સ સતત રદ થતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. આજે ગુરુવારના દિવસે પણ ઇન્ડિગોની 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અગાઉ બુધવારના દિવસે પણ ઇન્ડિગો દ્વારા 100 ફલાઈટ રદ કરાઈ હતી. અત્યાર સુધી એટલે કે ફક્ત 2 દિવસમાં ઇન્ડિયોગની 200 ફલાઈટ રદ થતા એરલાઈન અત્યારે ભારે સંકટનો સામનો કરી રહી છે.
ગુરુવારના દિવસે વધુ 100 ફલાઈટ રદ
ઇન્ડિગો એરલાઈનની ગુરુવારના દિવસે વધુ 100 ફલાઈટ રદ કરાઈ. ફલાઈટ રદ કરવાને લઈને ઇન્ડિગોએ કારણ આપતા જણાવ્યું કે કેટલીક ફ્લાઇટ્સ ટેકનિકલ સમસ્યાઓના કારણે હાલમાં ફલાઈટ રદ કરવામાં આવી રહી છે. ઘણા મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર તેમની ફ્લાઇટની રાહ જોતા રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમની ફ્લાઇટ્સ રદ કરાતા ગુસ્સે ભરાયા. મુસાફરો એરલાઈનની સુવિધાને લઈને સવાલ ઉઠાવવા લાગ્યા.
સોશિયલ મીડિયામાં મુસાફરોએ આક્રોશ ઠાલવ્યો
ગુસ્સે ભરાયેલ મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યકત કરી રહ્યા છે. મુશ્કેલીનો સામનો કરતા પ્રવાસીઓએ લખ્યું કે કયારેય ઇન્ડિગો એરલાઈનમાં મુસાફરી કરશે નહીં. મીડિયામાં સમાચાર છે કે એરલાઈન અત્યારે ક્રૂ મેમ્બર્સની અછતનો સામનો કરી રહી છે. જણાવી દઈએ કે બુધવાર બાદથી અત્યાર સુધીમાં ઇન્ડિગોએ બેંગલુરુમાં 42, દિલ્હીમાં 38, અમદાવાદમાં 25, ઇન્દોરમાં 11, હૈદરાબાદમાં 19, સુરતમાં 8 અને કોલકાતામાં 10 ફ્લાઇટ્સ રદ કરી છે.
ઇન્ડિગો એરલાઈન ટેકનીકલ સમસ્યાના કારણે સંકટમાં
ગઈકાલે બુધવારના દિવસ ઇન્ડિગો એરલાઈન માટે ભારે રહ્યો. બુધવારે સવારે ચેક-ઇન સિસ્ટમ ક્રેશ થવાના કારણે દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુ અને વારાણસી સહિત અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સને ભારે અસર થઈ હતી. વૈશ્વિક સ્તરે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ આઉટેજને કારણે આઇટી સિસ્ટમ્સ નિષ્ફળ જતા ફલાઈટ મેન્યુઅલ ચેક-ઇન કરવાની ફરજ પડી હતી. બુધવારે હૈદરાબાદમાં 19, બેંગલુરુમાં 42 અને દિલ્હીમાં 38 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી.
ઇન્ડિગો એરલાઈને અસુવિધા બદલ માફી માગી
ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ વિલંબ અને રદીકરણની પુષ્ટિ કરી હતી. ગયા મહિને ઇન્ડિગગોમાં દિલ્હી એરપોર્ટ પર પણ આવી જ તકનીકી સમસ્યા નોંધાઈ હતી. ઇન્ડિગો એરલાઇન્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે, “ખરાબ હવામાન, સિસ્ટમમાં ખામીઓ અને નવા સ્ટાફિંગ નિયમોને કારણે ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. અસુવિધા બદલ અમે દિલગીર છીએ અને આગામી 48 કલાકમાં કામગીરી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવશે.” છેલ્લા બે દિવસમાં 200 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.


