મહેસાણા જિલ્લામાં વહેલી સવારે પવનની દિશા બદલાતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો 16 ડિગ્રી સેન્ટિગ્રેડ આસપાસ સ્થિર રહ્યો હતો. પરંતુ, ગુરુવારે વહેલી પરોઢે બાદ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું હતું. ત્યારબાદ, બપોરે 2.00 કલાક સુધીમાં મહત્તમ તાપમાન સતત ઊંચકાતું રહ્યું હતું અને ગરમીનો પારો 29 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી પહોંચી ગયો હતો. ઠંડીના ચમકારાને કારણે ઘઉં, રાયડો, દિવેલા અને અજમો જેવા રવીપાકોને ફાયદો થશે. છેલ્લા થોડાક દિવસોમાં ઠંડીમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
આગામી દિવસોમાં મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે. ખેડૂતોએ પોતાનાં કૃષિક્ષેત્રોમાં રવિપાકોનાં વાવેતર સંપન્ન કરી દીધાં છે. ઠંડીના ચમકારાને કારણે ઘઉં, રાયડો, દિવેલા સહિતના અન્ય પાકોને ફાયદો થશે. વરિયાળી તેમજ અજમા સહિતનાં વાવેતર માટે પણ આ વાતાવરણ અનુકૂળ બની રહેશે. પાતાળકૂવાઓને દિવસે અપાતી વીજળીના કારણે રાત્રે સિંચાઈ કરવા કૃષિ ક્ષેત્રોમાં જવામાંથી ખેડૂતોને મુકિત મળી છે. ઠંડીના ચમકારાને કારણે ખેડૂત જગતમાં આનંદની લાગણી છવાઈ છે. જો હજુ વધુ સારી ઠંડી પડે તો રવિ પાકોને અનુકૂળ વાતાવરણને કારણે ઉત્પાદન વધશે, રોગચાળાની ભીતિ ઘટશે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


