રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના સાંસદ સુપ્રિયા સુલેએ શુક્રવારે સંસદમાં રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ 2025 રજૂ કર્યું, જે દરેક કર્મચારીને કામના કલાકો પછી અને રજાના દિવસે કામ સંબંધિત ટેલિફોન કોલ્સ અને ઈમેલથી ડિસ્કનેક્ટ થવાનો અધિકાર આપવા માટે કર્મચારી કલ્યાણ સત્તામંડળ બનાવવાનો પ્રસ્તાવ મૂકે છે.
કામ પછી કામ સંબંધિત કોલ નકારવાનો અધિકાર.
જો આ બિલ પસાર થાય છે, તો તે કાર્યકારી વ્યાવસાયિકોને લાભ આપશે જેમને કામના કલાકો પછી પણ કામના ઇમેઇલ અને કોલ્સ દ્વારા હેરાન કરવામાં આવે છે. આ બિલ કર્મચારીઓને કામના કલાકો પછીના કોલ અને ઇમેઇલનો જવાબ આપવાનો ઇનકાર કરવાનો અધિકાર આપશે.
રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ શું છે?
રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ એ એવો પ્રસ્તાવિત કાયદો છે, જેનો મુખ્ય હેતુ કર્મચારીઓને તેમના કામના સમય બાદ માનસિક શાંતિ આપવાનો છે. આજના ડિજિટલ યુગમાં વર્ક-ફ્રોમ-હોમ, ઓનલાઇન મીટિંગ્સ અને સતત મળતા ઓફિસ ઇમેલ-મેસેજને કારણે કામ અને વ્યક્તિગત જીવનની સરહદો ધૂંધળી બનતી જાય છે. ઘણા કર્મચારીઓ રાત્રે, રજા દરમિયાન અથવા ઓફિસ ટાઈમ પૂર્ણ થયા બાદ પણ કામના મેસેજનો જવાબ આપવા માટે મજબૂર થાય છે, જેના કારણે તણાવ, માનસિક થકાવટ અને જીવનમાં અસ્તવ્યસ્તતા વધે છે.
ઓફિસનો સમય પૂર્ણ થયા પછી કર્મચારીઓને કામ સંબંધિત ફોન કોલ, ઈમેલ અથવા મેસેજનો જવાબ આપવા માટે બળજબરી કરી શકાય નહીં
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ’ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલ કહે છે કે ઓફિસનો સમય પૂર્ણ થયા પછી કર્મચારીઓને કામ સંબંધિત ફોન કોલ, ઈમેલ અથવા મેસેજનો જવાબ આપવા માટે બળજબરી કરી શકાય નહીં. એટલે કે કર્મચારી પોતાના ખાનગી સમયમાં સંપૂર્ણપણે ‘ડિસ્કનેક્ટ’ રહી શકે છે અને તેમ પર કોઈ દબાણ મૂકવામાં આવશે નહીં.
પારિવારિક જીવન અને વર્ક-લાઈફ બેલેન્સ કરવુ
આ બિલ હેઠળ કંપનીઓને આ સુનિશ્ચિત કરવું પડશે કે તેઓ કામકાજનાં નક્કી સમયની બહાર કર્મચારીઓ પાસેથી કામની અપેક્ષા રાખશે નહીં. જો કોઈ કર્મચારી ઓફ-ડ્યુટી મેસેજનો જવાબ નહીં આપે તો તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નહીં થઈ શકે. આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓના માનસિક આરોગ્ય, પારિવારિક જીવન અને વર્ક-લાઈફ બેલેન્સને સુરક્ષિત કરવો છે.
ફ્રાન્સ, ઈટાલી, સ્પેન અને ફિલિપાઈન્સ જેવા ઘણા દેશોમાં આવા કાયદાઓ પહેલેથી જ લાગુ થયા છે. ભારત આ બિલ હજી ચર્ચા હેઠળ છે, પરંતુ તે અમલમાં આવશે તો લાખો કર્મચારીઓને મોટી રાહત મળશે.
રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ આધુનિક કાર્યસ્થળ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે, જે સ્પષ્ટ સંદેશ આપે છે કે વ્યક્તિગત જીવન પણ કામ જેટલું જ મહત્વનું છે.
આ પણ વાંચો: IndiGoની ફ્લાઇટ રદ, સેલેબ્સે વ્યક્ત કર્યો ગુસ્સો, સોનુ સૂદે કહ્યું, સ્ટાફ સાથે દયાભાવથી વર્તો


