અમદાવાદ શહેર પોલીસ કમિશનરની સૂચનાના પગલે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે કાર્યરત PCB (પ્રોહીબિશન એન્ડ ક્રાઈમ બ્રાન્ચ) એ નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ પાડી છે.
શિવશક્તિ ફ્લેટમાં મોટી રેડ
PCBની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, નરોડા વિસ્તારમાં આવેલ શિવશક્તિ ફ્લેટ ખાતે દારૂના ગેરકાયદેસર સંગ્રહ અને વેચાણના ઠેકાણે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન સ્થળ પરથી સ્થાનિક લિસ્ટેડ બૂટલેગર વિક્રમ ઉર્ફે વીકી રત્નસિંગ રાજપુતની ધરપકડ કરવામાં આવી હતી.
3.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
પોલીસે બૂટલેગરના ઠેકાણેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો (IMFL) મોટો જથ્થો કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઇંગ્લિશ દારૂ અને બિયરની નાની-મોટી બોટલો તથા બિયરના ટીન મળીને કુલ 915 નંગ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં દારૂની કુલ કિંમત રૂપિયા 3,06,028/- આંકવામાં આવી છે. આ ઉપરાંત એક જ્યુપિટર સ્કૂટર અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. દારૂ, વાહન અને મોબાઇલ ફોન મળીને પોલીસે કુલ રૂપિયા 3,86,028નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


