સાબરકાંઠા જિલ્લાના વડાલી વિસ્તારમાં સગીર વયની દીકરીના લગ્ન મુદ્દે બે સમાજના જૂથો વચ્ચે ગંભીર અથડામણ અને પથ્થરમારાનો બનાવ સામે આવ્યો છે. આ અથડામણમાં 7 થી 9 જેટલા લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બે જૂથો આમને-સામને આવી ગયા
ઘટનાની મળતી માહિતી અનુસાર, વડાલીમાં સગીર વયની યુવતી સાથે લગ્ન કરાવવાના મામલે બે જૂથો આમને-સામને આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે ઉગ્ર ધીંગાણું થયું હતું, અને સામસામે પથ્થરમારો પણ થયો હતો. આ જૂથ અથડામણ દરમિયાન વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી, અને તેમના કાચ તોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 7 થી 9 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પોલીસે કરી કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સમયસર દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલમાં વડાલીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં હાલ તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું છે, અને આવનારા સમયમાં ફરી હંગામો સર્જાઈ શકે તેવી શક્યતાના પગલે જિલ્લાની પોલીસ ખડકી દેવામાં આવી છે.
આ પણ વાંચો – ભારતીય વિરાંગનાઓએ બનાવ્યા છે આ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યો, જુઓ Photos


