બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાએ ગઢડા તાલુકાનાં ટાટમ ગામે આવેલાં આંગણવાડી કેન્દ્રોની અચાનક નિરીક્ષણ મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારી ગામે પહોંચતા જ સૌપ્રથમ આંગણવાડી કેન્દ્રોની કામગીરી, ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ બાળકોનાં વિકાસકાર્ય અંગે વિગતવાર માહિતી મેળવી. બાળકો સાથે સ્નેહભરી વાતચીત કરીને તેમની હાજરી, શિક્ષણપ્રક્રિયા અને પ્રિ-સ્કૂલ પ્રવૃત્તિઓની ગુણવત્તાનો નિકટથી અભ્યાસ કર્યો.મુલાકાત દરમિયાન અધિકારીએ કેન્દ્રની સ્વચ્છતા, પોષણયુક્ત નાસ્તો તૈયાર કરવાની પદ્ધતિ અને બાળકોને પીરસાતા આહારની ગુણવત્તાનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
આંગણવાડી ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી
જિલ્લા વિકાસ અધિકારીએ આંગણવાડી કેન્દ્રની ભૌતિક સુવિધાઓ, રેકોર્ડ રખાવાની પદ્ધતિ, હાજરી રજીસ્ટર, આરોગ્ય રેકોર્ડ અને પોષણ વિતરણ જેવી બાબતોની વિગતવાર તપાસ કરી. સાથે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે પણ સમીક્ષા કરી હતી.નાસ્તાનો સ્વાદ અને ગુણોત્તર ઉત્તમ હોવાનું જણાતાં તેમણે આંગણવાડી ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી. પોષણ, આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આંગણવાડી કાર્યકર્તીઓ દ્વારા કરવામાં આવતા કાર્યને તેમણે સરાહનીય ગણાવ્યું હતું.
સર્જનાત્મક પ્રવૃત્તિઓ અમલમાં મૂકવાની સલાહ આપી
મુલાકાત દરમિયાન અધિકારીએ આંગણવાડી કાર્યકર્તાઓને બાળકોના સર્વાંગી વિકાસ માટે વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અમલમાં મૂકવાની સલાહ આપી. બાળકોની ભાષા વિકાસ, રમતગમત, શારીરિક આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી. શિક્ષણ માટે ઉપલબ્ધ સાધનસામગ્રી, રમકડાં તથા અન્ય સુવિધાઓનું પણ નિરીક્ષણ કરી જરૂરી સુધારાઓ માટે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે ગઢડા તાલુકા બાળ વિકાસ યોજના અધિકારી, સુપરવાઇઝર તથા અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.


