દહેગામના લિસ્ટેડ બુટલેગર તથા તેની પત્નિ દ્વારા પાનપાર્લરની આડમાં વિદેશી દારુ તથા બિયર વેચવામાં આવતો હતો. દારુ અને બિયર વેચવા માટે આ દંપતીએ રોજના 300 રુપિયા મજુરી આપીને માણસ ભાડે રાખ્યો હતો. પોલીસે પાન પાર્લરમાં રેડ કરીને દારુ તથા બિયરની 47 બોટલો કબજે કરી હતી. દારુ વેચનાર ઇસમ સહીત લિસ્ટેડ બુટલેગર અને તેની પત્નિ સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધાયો હતો.
આ મામલે દહેગામ પોલીસને બાતમી મળી હતી કે દહેગામનો લિસ્ટેડ અને અનેક પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલા બુટલેગર ભાવેશ ઉર્ફે ભાવ સિંહ ઉર્ફે ભાવલો પ્રહલાદસિંહ ઝાલા તથા તેની પત્નિ વિણા ભાવસિંહ ઝાલા (બંને રહે. લિમ્બચમાતા ફળી દહેગામ) દહેગામમાં ભટ્ટની ખડકીની બાજુમાં પાલૈયાવાસમાં પોતાની માલિકીના મકાનની ઓસરીમાં પાન પાર્લર બનાવીને પાન મસાલા વેચાણ કરવાની આડમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારુનુ વેચાણ કરે છે. આ હકીકતના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી અને પાર્લરમાંથી એક ઇસમને પકડયો હતો. ઝઢપાયેલા ઇસમનુ નામ પુછતા જીતુભા નટુજી ઠાકોર (રહે. હાલ દહેગામ મુળ રહે.અગાર ગામ રુપાણી પટ્ટી જી. પાટણ) હોવાનુ જણાવ્યુ હતુ. બુટલેગરના ઘરે જ રહેતા ઇસમની તપાસ કરતા તેની પાસે એક કોથળી પડી હતી અને તેમાં જોતા અંદરથી દારુ તથા બિયરની 47 બોટલ મળી આવી હતી. આ મામલે પુછપરછ કરતા જીતુએ જણાવ્યુ કે આ દારુ બિયર તેના સંબંધી ભાવેશ ઉર્ફે ભાવસિંહ ઉર્ફે ભાવલો ઝાલા તથા વિણા ભાવેશ ઝાલાએ વેચવા આપ્યો હતો અને દિવસના 300 રુપિયા આપીને મજુરીએ રાખ્યો હોવાની વાત કરી હતી.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


