વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ ગામમાં આવેલી લુકરો પ્લાસ્ટિક સાઇકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજે બપોરે લગભગ 1:30 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કંપની પ્લાસ્ટિકના દાણા અને પ્લાસ્ટિકનું રો મટિરિયલ બનાવતી હોવાથી, આગે જોત-જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની ગંભીરતા જોતાં તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે આસપાસની કંપનીઓ અને વહીવટી તંત્રની 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ગઈ હતી. આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા
સૌથી રાહતની વાત એ છે કે, સમયસૂચકતા વાપરીને કંપનીમાં હાજર તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ દ્વારા હાલમાં આગ પર કાબુ મેળવવા માટે પાણીની સાથેસાથે કેમિકલ ફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, પ્લાસ્ટિકનું રો મટિરિયલ હોવાને કારણે અને ભારે પવન ને લીધે આગ ઓલવવાની કામગીરી અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
આગ પર કાબૂ મેળવવામાં હજૂ ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગશે
ફાયર ફાઇટરોને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગની તીવ્રતા એટલી છે કે, તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં હજૂ ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગી શકે છે. તંત્ર દ્વારા આગને આસપાસની અન્ય કંપનીઓમાં ફેલાતી અટકાવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલી રહ્યા છે.


