ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના બિલાઠા ગામે ત્રાટકેલા તસ્કરો એક મોબાઇલ ટાવરના રૂમમાંથી રૂપિયા બે લાખનો સામાન ચોરી ગયા હોવાની ઘટના બની છે.આ અંગે નેત્રંગ પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વોડાફેન કંપની દ્વારા નેત્રંગ તાલુકાના બિલાઠા ગામ નજીકના એક સ્થળે મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવ્યો છે. ટાવરની દેખરેખ રાખવા માટે કંપની તરફ્થી ટેકનીશયન તરીકે ગુંદિયા ગામના રાકેશભાઇ વસાવાને રાખવામાં આવેલ છે.તા.13 મીના રોજ સાંજે છ વાગ્યે રાકેશ વસાવાના મોબાઇલમાં ડોર ઓપન એલાર્મ (ટાવરનો રૂમ કોઇ ગેરકાયદે રીતે ખોલે અથવા તો લોક તોડે તો ઓટોમેટિક કોલ આવે છે) બાબતનો કંપની દ્વારા રોબો કોલ આવતા
રાકેશ બિલાઠા ગામે ટાવર ખાતે પહોંચ્યો હતો અને ત્યાં ટાવરના સેલ્ટર રૂમનો દરવાજો ખુલ્લો જણાયો હતો.રૂમમાં તપાસ કરતા તેમાંથી નેટવર્કમાં ઉપયોગી ટીઆરએક્ષ અને ડુપ્લેસર નંગ ચારની ચોરી થઇ હોવાનું જણાયું હતું. તસ્કરો કુલ રૂપિયા બે લાખની કિંમતનો સામાન ઉઠાવી ગયા હોવાની ખાતરી થતાં આ ચોરીની જાણ કંપનીના સર્વેલન્સ સિક્યુરિટી સુપરવાઇઝર મુન્ના પરમારને કરી હતી. તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ અપાઇ છે.


