ગોડાદરામાં ત્રણ યુવકોનું અપહરણ કરી બે યુવકો પર અમાનુષી અત્યાચાર કરી હત્યા અને એકને હત્યા થાય ત્યાં સુધી માર મારનાર માથાભારે શીવા ટકલા પર દેવધગામ પાસે પોલીસે ફાયરિંગ કરી જમણા પગે ગોળી ધરબી દઇ શાન ઠેકાણે લાવી હતી. ધરપકડ કરીને તેને પોલીસ મથક તરફ લાવવામાં આવી રહ્યો હતો ત્યારે દેવધગામ પાસે વોમિટીંગનાં બહાને કાર ઉભી રખાવી પથ્થર મારી ભાગવાની કોશિશ કરતાં સબ ઇન્સપેક્ટર રામાનંદીએ કરેલાં વળતા ફાયરિંગમાં ટકલાને પગમાં ગોળી વાગી હતી.
પોલીસની ગોળી વાગતાં જ શીવા ટકલો પોતાને બચાવવા માટે આજીજી કરવા લાગ્યો હતો. પ્લીઝ મારી સારવાર કરાવો સાહેબની કાકલુદી કરતો વિડીયો પણ વાયરલ થયો હતો. પોલીસે તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો. ગત બીજી અને ત્રીજી ડિસેમ્બરની રાત્રે ગોડાદરામાં બે યુવકોની થયેલી ઘાતકી હત્યાનો મુખ્ય આરોપી શીવા ટકલા છેલ્લાં 12 દિવસથી પોલીસને ખોખો રમાડી રહ્યો હતો. આજે તેને અમદાવાદથી ઝડપી લેવાયો હતો. એક ટીમ તેને ખાનગી કારમાં સુરત લાવી રહી હતી. કડોદરાથી સુરતમાં પ્રવેશ્યા તે સાથે જ સબ ઇન્સપેક્ટર જે.એસ. રામાનંદી પોલીસ જીપમાં બીજી ટીમને રિસિવ કરવા ગયા હતા. દેવધગામ પાસે શીવાએ વોમિટિંગ કરવા માટે કાર ઉભી રખાવી હતી. પાછળથી આવી રહેલાં સબ ઇન્સપેક્ટર રામાનંદીએ પણ જીપ ઉભી કરી દીધી હતી. નીચે ઉતરતાની સાથે જ શીવાએ પથ્થર ઉંચકી સબ ઇન્સપેક્ટર પર હુમલો કરી દીધો હતો. બચાવમાં હાથ આડો કરતાં હાથ પરથી ઉછળીને માથામાં વાગી કારના કાચમાં અથડાયો હતો.


