રામોલ ગામ તળાવ પાસે છાપરામાં પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે કારચાલકે પુરઝડપે હંકારીને કાર છાપરામાં ઘુસાડી દેતા બે બાળકો સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમજ તમામ કાર નીચે ફ્સાતા આસપાસના લોકોએ કાર ઉંચકીને સાઇડમાં મૂકીને તમામને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તે દારૂના નશામાં હતો. તેમજ તેની માતાને ઘરે ઉતારીને મિત્રની કાર પરત આપવા જતા અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યુ છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
મૂળ રાજસ્થાનના અને હાલમાં રામોલ ગામ તળાવ પાસે કાચા છાપરામાં રહેતા 33 વર્ષીય મુકેશભાઇ ડામોર મજૂરી કામ કરે છે. ગત 15 ડિસેમ્બરે રાત્રીના 12 વાગ્યાની આસપાસ તેઓ જમીને પરિવાર સાથે છાપરામાં સૂતા હતા. ત્યારે પુરઝડપે આવી રહેલ કારચાલકે તેમના છાપરામાં કાર ઘુસાડીને તેમના પરિવાર પર ચઢાવી દીધી હતી. જેમાં મુકેશભાઇ, તેમની પત્ની 30 વર્ષીય રેખાબેન, પુત્ર 2 વર્ષીય જયદિપ, પુત્રી 5 વર્ષીય રચિતા અને બનેવી શંભુભાઇ ડીંડોર કાર નીચે ફ્સાયા હતા. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને કાર ઉંચકીને સાઇડમાં કરીને તમામને બહાર કાઢયા હતા. બાદમાં તમામને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ આવી પહોચી હતી. જેથી પોલીસે કાર અને કારચાલકની અટકાયત કરી હતી. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ કરતા તેનું નામ વીરેન્દ્ર વાવેતર હાથીજણમાં રહેતો હોવાનું સામે આવ્યુ હતુ. તેમજ તે વાહનના શો-રૂમમાં નોકરી કરે છે. ઉપરાંત બપોરના સમયે મિત્રો સાથે પાર્ટી કરી હતી. બાદમાં તેની માતાને લેવા ગયો હતો અને માતાને ઘરે ઉતારીને તેના મિત્ર અનિલને કાર પરત આપવા જતા અકસ્માત કર્યો હતો. તેમજ કારચાલકે દારૂ પીને અકસ્માત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.


