વડોદરા શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ કારની તપાસ ચાલી રહી હતી ત્યારે પસાર થતો એક બાઈક ચાલક જોરજોરથી મ્યુઝિકલ હોર્ન વગાડતો હોવાથી મામલો ગરમાયો હતો. પોલીસ દ્વારા વાંધો ઉઠાવતા બાઈક ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસકર્મીઓ સાથે ગાળાગાળી તેમજ ઉગ્ર બોલાચાલી કરી હતી. આ મામલે હરણી પોલીસે સરકારી ફરજમાં અડચણ ઊભી કરવા બદલ આરોપી ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી
હરણી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુરેશસિંહ મગનસિંહે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ અન્ય પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગ પર હતા. બપોરે આશરે 2.30 વાગ્યાના સુમારે પાંજરાપોળથી ખોડીયારનગર તરફ જતા માર્ગ પર રોડના કામને કારણે એકતરફી લેન ચાલુ હતી. તે દરમિયાન ડી-માર્ટ સામે આવેલા લક્ષ્ય એવન્યુ ફ્લેટ્સ પાસે એક ફોર વ્હીલર વાહન શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં પોલીસે તેને કોર્ડન કરી તપાસ માટે ઊભું રાખ્યું હતું.
જોરથી મ્યુઝિકલ હોર્ન વગાડતો પસાર થઈ રહ્યો હતો
ત્યારે ખોડીયારનગર તરફથી આવતો બાઈક ચાલક જયેશભાઈ ઇન્દ્રકુમાર ગુલાણી (ઉમ્ર: 25 વર્ષ, રહે. કૃષ્ણનગર સોસાયટી, ખોડીયારનગર, ડી-માર્ટ સામે, પાંજરાપોળ રોડ, વડોદરા; ધંધો: રેપીડો ચાલક) જોરજોરથી મ્યુઝિકલ હોર્ન વગાડતો પસાર થઈ રહ્યો હતો. પોલીસે પોતાની ઓળખ આપી હોર્ન વગાડવા બાબતે ટકોર કરતા જ જયેશ ઉશ્કેરાઈ ગયો હતો.
તમે પોલીસવાળા હોવ તો શું થઈ ગયું?
આરોપીએ પોલીસકર્મીઓ સામે બૂમાબૂમ કરી “તમે પોલીસવાળા હોવ તો શું થઈ ગયું?” જેવા ઉગ્ર શબ્દો કહ્યા હતા તેમજ ગાળાગાળી કરી હતી. પોલીસ દ્વારા શાંતિ જાળવવા સમજાવ્યા છતાં પણ તેણે બોલાચાલી કરી હતી
સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી
આખરે પોલીસે આરોપી બાઈક ચાલકને હરણી પોલીસ સ્ટેશન લઈ જઈ સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે હરણી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


