સિદ્ધપુર તાલુકાના ખળી ગામે ખીચોખીચ પશુઓ ભરીને પસાર થતા આઈસર ટ્રકને સિદ્ધપુર પોલીસે બાતમીના આધારે પકડી પાડી અંદર રહેલા 15 પશુઓ મુક્ત કરી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસ કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક ટ્રક મુકી નાસી છૂટયો હતો જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સિદ્ધપુર પોલીસને બાતમી મળી હતી કે ખળી ગામે એક શંકાસ્પદ પશુઓ ભરેલ આઈસર ટ્રક છે જેના આધારે પોલીસે રેડ કરતા બાતમી વાળા આઈસર ટ્રકમાં ખીચોખીચ રીતે કોઈ પણ ઘાસચારો કે પાણીની સુવિધા વગર ભરેલા 15 પશુઓ જણાતાં તાત્કાલિક તમામ પશુઓને નાગવાસણ પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા અને પોલીસે ટ્રક કબજે કરી નાસી જનાર ચાલકની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પશુઓ કતલખાને લઈ જવાતા હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું પરંતુ હજું સુધી સ્પષ્ટતા થવા પામી નહોતી. હાલમા સિદ્ધપુર પોલીસે આઈસર ટ્રક સહિત કુલ 11.50 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક વિરૂધ્ધ પશુ સંરક્ષણ ધારા હેઠળ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.


