ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનરના પ્રતિબંધિત જાહેરનામાનો ભંગ કરીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ગોમતીપુર અને નરોડામાંથી પોલીસે બે યુવકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી પ્રતિબંધિત દોરીનો કુલ રૂ. 1.82 લાખનો જથ્થો કબ્જે કર્યો છે. બંનેમાં પોલીસે ગુનો નોધીને કાર્યવાહી કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાઇનીઝ દોરી વેચાણ પર પોલીસ કમિશનરે પ્રતિબંધ ફ્રમાવ્યો છે. આમ છતા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું છે. ત્યારે ગોમતીપુરમાં પોલીસે અંબિકા ઓઇલમીલ કમ્પાઉન્ડમાં ગોડાઉનમાંથી પોલીસે 720 ચાઇનીઝ દોરીની રીલ સાથે મયુર ગોહિલને ઝડપ્યો છે. જેની કિંમત રૂ. 1.80 લાખ છે. ત્યારે નરોડામાં પોલીસે ચુનારા વાસમાં મકાનમાંથી શ્રીકાંત ચુનારાને ચાઇનીઝ દોરીના 14 ટેલર સાથે ઝડપ્યો છે. જેની કિંમત રૂ. 2800 છે. આમ પોલીસે કુલ રૂ. 1.82 લાખની ચાઇનીઝ દોરીનો જથ્થો કબ્જે કર્યો છે. બંને બનાવોમાં પોલીસે બંને યુવકો સામે ગુનો નોધીને કોની પાસેથી ચાઇનીઝ દોરીનો જથ્થો લાવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી છે. મહત્તવનું છે કે, હાઈકોર્ટની ટકોર અને પોલીસની કડક કાર્યવાહી બાદ પણ શહેરમાં પ્રતબંધિત એવી ઘાતક ચાઈનીઝ દોરીનો વેપલો દર વર્ષની જેમ આ વર્ષે પણ ચાલી રહ્યો છે.


