ક્રિકેટ મેચને લઇને BRTSનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, મેચને લઇને 36 વધારાની BRTS બસ દોડાવાશે અને મેટ્રો ટ્રેનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મેચને લઈ રાત્રે 12:30 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે અને મોટેરા સ્ટેડિયમથી પરત ફરવા ખાસ ટિકીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત-સાઉથ ઓફ્રિકાની T-20 મેચ રમાવાની છે
મેચને લઈ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમ સુધી અને કૃપા રેસિડેન્સી ટીથી મોટેરા ગામ સુધીનો રસ્તો વાહન વ્યવહાર માટે બપોરે ૩ વાગ્યાથી રાત્રીના ૨ વાગ્યા સુધી બંધ રહેશે. તેમજ મેચ જોવા આવનાર દર્શકો માટે સ્ટેડિયમની આસપાસ ફાળવેલ પાર્કિંગમાં પોતાના વાહનો પાર્ક કરી શકશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઈને રસ્તા બંધ હોવાથી વૈકલ્પિક રસ્તા તરીકે વાહનચાલકો તપોવન સર્કલથી ઓ.એન.જી.સી ચાર રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈને પ્રબોધરાવળ સર્કલ સુધી અવર-જવર કરી શકશે. તેમજ કૃપા રેસિડેન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ પર થઈને એપોલો સર્કલ તરફ વાહનચાલકો જઈ શકશે.
મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 12.30 સુધી દોડાવાશે
અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૧૯ ડિસેમ્બરે યોજાનારી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ ટી-૨૦ ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિ. દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિ ૧૨:૩૦ વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો છે. હાલ મેટ્રો રોજ સવારે ૬:૨૦ થી રાતના ૧૦:૦૦ વાગ્યા સુધી ચાલે છે. પરંતુ મેચના દિવસે રાત્રે ૧૦:૦૦ થી મધ્યરાત્રિના ૧૨:૩૦ સુધી લંબાવેલા સમય દરમિયાન મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ મેટ્રોમાં પ્રવેશ કરી શકશે.
આ ટિકિટ દ્વારા લંબાવેલા સમય દરમિયાન મેટ્રોમાં મુસાફરી કરી શકાશે
આ સ્ટેશન પરથી મુસાફરો અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તેમજ વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધીના કોઇ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઇ શકશે. ગાંધીનગર જવા માટે મેટ્રો દ્વારા ખાસ વ્યવસ્થા કરાઇ છે. જેમાં મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સેક્ટર-૧ મેટ્રો સ્ટેશન સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેનો ચલાવવામાં આવશે. આ ટ્રેનો રાત્રે ૧૧:૪૦ વાગ્યે અને મધ્યરાત્રે ૧૨:૧૦ વાગ્યે ઉપડશે. મુસાફરોને પરત ફરતી વખતે કોઇ મુશ્કેલી ન પડે તે માટે મેચના દિવસ માટે સ્પેશિયલ પેપર ટિકિટ ૫૦ રૂપિયાની બહાર પડાઇ છે.


