બાંગ્લાદેશ ફરી એકવાર ગંભીર રાજકીય અને સામાજિક અશાંતિના દૌરમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત વિરોધી કટ્ટરપંથી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ બાદ દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા છે, જેના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબુ બહાર જતી દેખાઈ રહી છે અને ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં પણ તણાવ સર્જાયો છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળી વાગી
12 ડિસેમ્બરે ચૂંટણી પ્રચાર દરમિયાન શરીફ ઉસ્માન હાદીના માથામાં ગોળી વાગી હતી. ગંભીર હાલતમાં તેમને સિંગાપોર ખસેડવામાં આવ્યા, જ્યાં એક અઠવાડિયા પછી તેમનું મૃત્યુ થયું. આ સમાચાર પ્રસરી જતાં જ ચટ્ટોગ્રામ, રાજશાહી અને ઢાકા સહિતના શહેરોમાં ઉગ્ર પ્રદર્શન શરૂ થયા. ચટ્ટોગ્રામમાં ભારતીય ડેપ્યુટી હાઈ કમિશનરના નિવાસસ્થાન પર પથ્થરમારો થયો, જ્યારે રાજશાહીમાં ભારતીય રાજદ્વારી કાર્યાલય તરફ કૂચ કરવાનો પ્રયાસ પોલીસે અટકાવ્યો.
શેખ હસીનાને પરત સોંપવાની માંગ
વિરોધ પ્રદર્શનો ફક્ત ભારત વિરોધી ભાવનાઓ પૂરતા સીમિત રહ્યા નથી. પ્રદર્શનકારીઓએ અવામી લીગના કાર્યાલયોને નિશાન બનાવ્યા અને ભારતમાં રહેલી ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પરત સોંપવાની માંગ ઉઠાવી. 2024ના શેખ હસીના વિરોધી આંદોલનમાં હાદી એક મહત્વપૂર્ણ ચહેરો ગણાતા હતા, જેના કારણે તેમના મૃત્યુને લઈ રાજકીય તણાવ વધુ ઉગ્ર બન્યો છે.
પોલીસે કર્યો ટીયર ગેસનો ઉપયોગ
ઢાકામાં સ્થિતિ વધુ ગંભીર બની, જ્યારે સૈંકડો પ્રદર્શનકારીઓ ભારતીય રાજદ્વારી પરિસરની બહાર એકઠા થવાનો પ્રયાસ કરતા પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો. આ વિરોધોમાં નેશનલ સિટીઝન્સ પાર્ટી (NCP) સહિતના વિવિધ સંગઠનો સામેલ હતા. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો કે હુમલાખોરો ભારત ભાગી ગયા છે, જોકે આ દાવાઓને ભારત સરકારે ખોટા અને આધારવિહોણા ગણાવ્યા છે.
વચ્ચે પાછી ચૂંટણી
“જુલાઈ યુનિટી”ના બેનર હેઠળ છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારત વિરોધી પ્રદર્શન થઈ રહ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજશાહી અને ખુલનામાં ભારતીય વિઝા અરજી કેન્દ્રો અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે. આ વચ્ચે બાંગ્લાદેશની 13મી સંસદીય ચૂંટણીની તારીખ પણ જાહેર થઈ છે. મુખ્ય ચૂંટણી કમિશનર એ.એમ.એમ. નાસિર ઉદ્દીન મુજબ 12 ફેબ્રુઆરી, 2026ના રોજ ચૂંટણી યોજાશે અને એ જ દિવસે પ્રથમ વખત રાષ્ટ્રીય લોકમત પણ યોજાનાર છે. રાજકીય નિષ્ણાતો માને છે કે ચૂંટણી પહેલાં લાગણીઓને ઉશ્કેરવાની આ પ્રવૃત્તિઓ એક પ્રકારનો ચૂંટણી સ્ટંટ હોઈ શકે છે, જે પરિસ્થિતિને વધુ અસ્થિર બનાવી શકે છે.
સંયમ રાખવાની અપીલ
મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે રાષ્ટ્રને સંબોધનમાં હાદીના મૃત્યુને દુઃખદ ગણાવ્યું અને લોકોને સંયમ રાખવાની અપીલ કરી. તેમ છતાં, શાહબાગ સ્ક્વેર સહિતના વિસ્તારોમાં વિરોધ ચાલુ રહ્યા. પ્રોથોમ આલો અને ડેઈલી સ્ટાર જેવી અગ્રણી અખબારી સંસ્થાઓ પર થયેલા હુમલાઓએ આંદોલન અરાજકતામાં ફેરવાઈ રહ્યું છે કે કેમ તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
નિષ્ણાતોનો મત
ભારત માટે આ પરિસ્થિતિ ખાસ ચિંતાજનક માનવામાં આવે છે. વ્યૂહાત્મક નિષ્ણાતોના મતે, 1971 બાદ બાંગ્લાદેશમાં ભારત સામે ઉભો થયેલો આ સૌથી મોટો રાજકીય પડકાર હોઈ શકે છે. હવે મુખ્ય પ્રશ્ન એ છે કે વચગાળાની સરકાર પરિસ્થિતિ સંભાળી શકશે કે પછી ચૂંટણી રાજકારણ આ અશાંતિને વધુ વેગ આપશે.


