પૂર્વ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ઊભરાતી ડ્રેનેજની સમસ્યાને કારણે નાગરિકોને વેઠવી પડતી હાલાકી નિવારવા માટે નવી ડ્રેનેજ નાંખવામાં આવે છે અને કેટલીક જગ્યાએ હયાત ડ્રેનેજનું રિપેરિંગ અથવા રિહેબ કરાય છે.
કોર્પોરેશન દ્વારા શહેરના શહેરના દક્ષિણ ઝોનના લાંભા અને ઈન્દ્રપુરી વોર્ડમાં ડ્રેનેજ તથા સ્ટોર્મ વોટર લાઇનના બ્રેકડાઉન રિપેર માટે વારંવાર કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં લઈને રૂ. 1.24 કરોડથી વધુ રકમના ખર્ચે ડ્રેનેજ લાઇન નખાશે. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાઈ છે. જેથી લાંભા અને ઈન્દ્રપુરી વોર્ડમાં નાગરિકોને પડતી હાલાકી દૂર થશે. દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના રિપેર કામ માટે ટેન્ડર મગાવાતા એક કોન્ટ્રાક્ટરે અંદાજિત રૂ. 91.36 લાખમાં કામ કરવાની તૈયારી બતાવી છે. જ્યારે લાંભા ગામ સહિતના વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કામ માટે ટેન્ડર મંગાવ્યું હતું. જેમાં અંદાજિત ખર્ચ કરતા 20.52 ટકા ઓછા ભાવે એટલે કે રૂ. 33.38 લાખના ખર્ચને મંજૂરી અપાઈ છે.


