માનવતા અને સામાજિક જવાબદારીના પર્યાય સમાન સુરતના પી.પી. સવાણી ગ્રૂપ દ્વારા ફરી એકવાર દીકરી પ્રત્યેના પ્રેમને સાચા અર્થમાં સાર્થક કરવામાં આવ્યો છે. અબ્રામા ખાતે આયોજિત ‘કોયલડી’ સમૂહ લગ્નોત્સવમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ દરમિયાન 133 પિતાવિહોણી દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ પ્રસંગ માત્ર લગ્નોત્સવ નહીં, પરંતુ સામાજિક એકતા અને કરુણાનો મહાકુંભ બની રહ્યો છે.
સર્વધર્મ સમભાવનું જીવંત ઉદાહરણ
આ લગ્નોત્સવની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વગર હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મની દીકરીઓના લગ્ન તેમના ધાર્મિક રીતિ-રિવાજ મુજબ કરાવવામાં આવ્યા છે. સમાજમાં કોમી એકતાનું આનાથી મોટું ઉદાહરણ બીજું કયું હોઈ શકે?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મહાનુભાવોની ઉપસ્થિતિ
આ પવિત્ર અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા. તેમની સાથે પૂર્વ મંત્રી મુકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, વિવિધ ધારાસભ્યો અને સામાજિક અગ્રણીઓએ હાજર રહી નવદંપતીઓને સુખી જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશેષ આકર્ષણ તરીકે ભારત સરકાર દ્વારા સન્માનિત દેશના વિવિધ પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓ પણ આ પ્રસંગના સાક્ષી બન્યા હતા.
સ્વદેશી રોબોટનું આકર્ષણ
લગ્નોત્સવમાં આધુનિક ટેકનોલોજીનો નઝારો પણ જોવા મળ્યો હતો. હર્ષ સંઘવીએ ત્યાં પ્રદર્શિત એક સ્વદેશી રોબોટ સાથે હાથ મિલાવ્યા હતા. રોબોટે પણ મંત્રીશ્રીને પ્રણામ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે અનેક ખ્યાતનામ સાધુ-સંતોએ પણ પધારીને દીકરીઓને આશીર્વાદથી નવડાવી હતી.
પી.પી. સવાણી ગ્રૂપની અવિરત સેવા
મહેશ સવાણી અને તેમની ટીમ દ્વારા વર્ષોથી પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન કરાવી તેમને કરિયાવર સહિતની તમામ જવાબદારીઓ ઉપાડવાની જે પરંપરા શરૂ કરી છે, તે આજે દેશભરમાં વટવૃક્ષ બની છે. ‘કોયલડી’ ઉત્સવે સુરતની ધરતી પરથી પ્રેમ અને સેવાના અનોખા સુર રેલાવ્યા છે.


