બાંગ્લાદેશમાં વધતા રાજકીય તણાવ અને વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીના મૃત્યુ પછી દક્ષિણ એશિયામાં રાજકીય અને કૂટનીતિક પરિસ્થિતિ પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભમાં, ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ નરવણેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત અને તેના પડોશી દેશોનું ભવિષ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને પ્રાદેશિક સ્થિરતા માટે સારા સંબંધો જાળવવા અત્યંત આવશ્યક છે.
જનરલે શું કહ્યું ?
નિવૃત્ત જનરલ નરવણેએ જણાવ્યું હતું કે ભારત હંમેશા તેના પડોશી દેશો સાથે સકારાત્મક અને સહયોગી સંબંધો જાળવવાનો પ્રયાસ કરે છે. તેમણે ઉમેર્યું કે ભારત અન્ય દેશોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું ટાળે છે અને સંયમિત વલણ અપનાવે છે. તેમના જણાવ્યા અનુસાર, રાજકીય ક્ષેત્રમાં ઘણી વખત એવી વાતો કહેવામાં આવે છે જે હકીકતથી પર હોય છે અને જેના કારણે ગેરસમજ અને તણાવ વધે છે. આવી સ્થિતિમાં રચનાત્મક સંવાદ અને પરસ્પર સમજ ખૂબ જ જરૂરી છે.
જનરલ નરવણેએ કહ્યું,
“ભારતે હંમેશા અન્ય દેશો સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કર્યા છે. અમે બીજાના આંતરિક મામલાઓ પર ટિપ્પણી કરતા નથી. રાજકારણમાં ઘણી એવી વાતો કહેવામાં આવે છે જે સંપૂર્ણપણે સાચી નથી. ભારત અને તેના પડોશી દેશોનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે અને આપણે સૌએ મળીને સારા સંબંધો જાળવવા જોઈએ.”
સિંગાપોરમાં સારવાર દરમિયાન શરીફ ઉસ્માન હાદીનું અવસાન
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની છે. ઇન્કિલાબ મંચના કન્વીનર, અગ્રણી વિદ્યાર્થી નેતા અને ફેબ્રુઆરી 2026ની રાષ્ટ્રીય ચૂંટણી માટે સંભવિત સંસદીય ઉમેદવાર શરીફ ઉસ્માન હાદીનું 18 ડિસેમ્બરે સિંગાપોરમાં અવસાન થયું હતું. ઢાકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગોળીબારમાં થયેલા હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે સિંગાપોર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું.
અંતિમયાત્રામાં ઉમટી પડ્યા હજારો લોકો
શનિવારે બાંગ્લાદેશમાં શરીફ ઉસ્માન હાદીની અંતિમયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરિવારની ઇચ્છા અનુસાર, તેમને રાષ્ટ્રીય કવિ કાઝી નજરુલ ઇસ્લામની કબર નજીક દફનાવવામાં આવ્યા હતા. હાદીના અવસાન બાદ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન અને રાજકીય ગતિવિધિઓમાં તેજી આવી છે, જેના કારણે દેશની રાજકીય સ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે.


