સુરતના અલથાણ વિસ્તારમાં રહેતી એક મહિલા અને તેના પુત્ર સાથે પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) માં નોકરી અપાવવાના બહાને ૨૬ લાખ રૂપિયાની ઠગાઈ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિલ્હીના ભાજપ સભ્ય તરીકેની ઓળખ આપનાર વિકાસ ત્રિવેદી નામના શખ્સે મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તે તેના પુત્રને પીએમ ઓફિસમાં ઊંચા હોદ્દા પર નોકરી અપાવી દેશે. આ લાલચમાં આવીને મહિલાએ કટકે-કટકે કુલ ૨૬ લાખ રૂપિયા આરોપીને ચૂકવ્યા હતા. જોકે, લાંબો સમય વિતવા છતાં નોકરી ન મળતા અને આપેલા નાણાં પરત ન મળતા છેવટે ભોગ બનનાર પરિવારે ન્યાય માટે પોલીસના દ્વાર ખટખટાવ્યા છે.
અલથાણ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ ઠગાઈ
આ મામલે અલથાણ પોલીસે વિકાસ ત્રિવેદી વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આરોપીએ રાજકીય વગ અને મોટા હોદ્દાનો ભ્રમ ઉભો કરીને અન્ય લોકો સાથે પણ આવી જ રીતે ઠગાઈ કરી હોઈ શકે છે. સુરત પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે અને આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે. સામાન્ય જનતાને પણ આવી લોભામણી જાહેરાતો કે નોકરીની લાલચ આપતા તત્વોથી સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Banaskantha ની શાળામાં શિક્ષણધામ બન્યું ધૂણવાનું ધામ, પ્રાર્થના સમયે બાળકો ધૂણતા હોવાનો વીડિયો વાયરલ


