સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પાર્ક કરેલી કારના કાચ તોડી કિંમતી સામાન અને વાહનોની ચોરી કરી તરખાટ મચાવનાર આંતરરાજ્ય ‘ત્રીચી ગેંગ’નો સુરત જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના બે મુખ્ય સાગરીતોને દબોચી લઈ કુલ રૂપિયા 4,45,551નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે પોલીસે મિલકત વિરોધી 10 વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસે કરી કાર્યવાહી
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક દ્વારા મિલકત વિરોધી ગુનાઓ અટકાવવા આપેલી સૂચના મુજબ, LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શિવા સુંગૈયાન ટોટીયનાયકર અને પ્રતિભા સુબ્રમણી નાયડુ નામના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ મૂળ તમિલનાડુની કુખ્યાત ‘ત્રીચી ગેંગ’ સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ગેંગની મોડસ ઓપરેન્ડી
આ ગેંગ અત્યંત ચાલાકીથી ગુનાને અંજામ આપતી હતી. પહેલા તેઓ ભીડભાડ વાળા વિસ્તારો અથવા હાઈવે પર પાર્ક કરેલી મોંઘી કારોની રેકી કરતા હતા. કારમાં પડેલી બેગ, લેપટોપ કે રોકડ રકમ જોઈને તેને નિશાન બનાવતા હતા. પળવારમાં કારનો કાચ તોડી કિંમતી સામાન ચોરી કરી બાઈક પર ફરાર થઈ જતા હતા.
જપ્ત કરેલો મુદ્દામાલ
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલા વાહનો, મોંઘા મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યા છે. રોકડ રકમ અને અન્ય કિંમતી સામાન સહિત કુલ કિંમત રૂપિયા 4,45,551નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં નોંધાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસ આ ગેંગના અન્ય સભ્યો અને તેઓએ ક્યાં-ક્યાં ચોરી કરી છે, તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.


