નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સામે બસ ડેપો નજીક આવેલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ત્રી-દિવસિય સશક્ત નારી મેળા – 2025-26નું આજે સમાપન થયું હતું.
આ સશક્ત નારી મેળામાં 50 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા, જેમાં તમામ સ્ટોલનું સંચાલન માત્ર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કુટિર તથા ગ્રામ ઉદ્યોગ, વન અને પર્યાવરણ, સ્વ-સહાય જૂથો, એન.આર.એલ.એમ સહિત વિવિધ વિભાગો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના પ્રયત્નોનું ઉત્તમ ઉદાહરણ આ મેળામાં જોવા મળ્યું. મેળામાં આશરે 200 થી 300 મહિલાઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો.આદિમ જૂથની મહિલાઓ દ્વારા વાંસ આધારિત હસ્તકલા કાર્ય કરતી કોટવાળીયા રમીલાબેન રમેશભાઈએ જણાવ્યું હતું કે, અમે વાંસમાંથી ટોપલી, ટોપલા, છાબડી, સુપડા, વાળમાં લગાવવાની પિન, અરીસા સહિતની વિવિધ વસ્તુઓ જાતે બનાવીને ઘરેથી તેમજ સરકાર દ્વારા આયોજિત મેળાઓમાં વેચાણ કરીએ છીએ. આ ત્રણ દિવસીય મેળામાંથી અમને સારો નફો થયો છે, જેના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ.ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઈવલીહૂડ કંપની લિમિટેડના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સશક્ત નારી મેળો કાર્યરત મહિલાઓ અને ગૃહિણીઓને એક જ મંચ પર લાવવાનું માધ્યમ બન્યો હતો.


