બાંગ્લાદેશના સમાચાર પત્ર ધ ડેલી સ્ટારે પોતાના એક રિપોર્ટમાં એસપી દ્વારા કહ્યુ કે, અમે તરત તે જ જગ્યા પર દોડ્યા, પરંતુ ખૂબ જ મોડું થઇ ચૂક્યુ હતુ. રસ્તા પર હજારો લોકો હતા અને આટલી બધી ભીડ માંથી એ જગ્યા સુધી પહોંચવુ ખૂબ જ મુશ્કેલી ભર્યુ હતુ. જ્યારે અમે ફેક્ટરીના ગેટ પર પહોંચ્યા તો અમે જોયું કે ગુસ્સે થયેલી ભીડ લાશને ઢાકા મયમનસિંહ હાઇવે તરફ લઇ જઇ રહી હતી. જે લગભગ બે કિલોમીટર દૂર હતી. આશરે ત્રણ કલાક સુધી 10 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ લાગ્યો.આનાથી પોલીસ અને અન્ય એજન્સીઓની અવરજવરમાં ગંભીર વિક્ષેપ પડ્યો.
એસપી ફરહાદ હુસેન ખાને કહ્યું કે તેમની ઓફિસ ઘટનાસ્થળથી 15 કિલોમીટર દૂર છે, જ્યારે ભાલુકા પોલીસ સ્ટેશન તુલનાત્મક રીતે નજીક છે. એસપીના જણાવ્યા મુજબ, જો સમયસર તેમને ફોન કરવામાં આવ્યો હોત તો દીપૂનો જીવ બચી શક્યો હોત, પરંતુ એવું થયું નહીં. એસપી ફરહાદ હુસેન ખાને વધુમાં જણાવ્યું કે પોલીસે ફેક્ટરી મેનેજમેન્ટ સાથે સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ કરી છે, પરંતુ ફેક્ટરીના કોઈ અધિકારીએ તેમની સાથે સંપર્ક કર્યો નથી.
ફેક્ટરી મેનેજમેન્ટે શું કહ્યું?
બાંગ્લાદેશના સિનિયર મેનેજર (એડમિનિસ્ટ્રેશન) સાકિબ મહમૂદે જણાવ્યું કે સાંજે લગભગ પાંચ વાગ્યે કેટલાક મજૂરો ફેક્ટરીમાં હંગામો કરવા લાગ્યા. આ લોકો દીપૂ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા હતા. આ માહિતી મળતાં ફેક્ટરીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો. તે સમયે ત્યાં હજારો લોકો ભેગા થઈ ગયા હતા અને પ્રદર્શન કરી રહ્યા હતા.
ફેક્ટરીના સિનિયર મેનેજરે સ્પષ્ટ કહ્યું કે દીપૂ દાસ પર લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવો નહોતો, છતાં મજૂરોનો હંગામો અટક્યો નહીં.
ફેક્ટરીના સિનિયર મેનેજર આલમગીર હુસેને સાંજે લગભગ 7:30 વાગ્યે દીપૂ પાસેથી ‘નકલી રાજીનામું’ પણ લેવડાવ્યું, જેથી લોકો શાંત થઈ જાય, પરંતુ મજૂરો શાંત થયા નહીં. આ દરમિયાન દીપૂ ચંદ્ર દાસને ફેક્ટરીના સિક્યુરિટી રૂમમાં રાખવામાં આવ્યો અને રાત્રે 8 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી.
જ્યારે ફેક્ટરી મેનેજમેન્ટને પૂછવામાં આવ્યું કે પોલીસે જાણ કરવામાં વિલંબ કેમ થયો, ત્યારે સિનિયર મેનેજરે કહ્યું કે તેમણે ફેક્ટરીની અંદર જ પોતાની રીતે મામલો ઉકેલવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. ત્યાં સુધીમાં ફેક્ટરીમાં શિફ્ટ બદલવાનો સમય થઈ ગયો હતો. બીજી શિફ્ટના કામદારો પણ ત્યાં પહોંચી ગયા હતા. સાથે સાથે આ વાત બહાર ફેલાતા સ્થાનિક લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા.
ફેક્ટરીનો દરવાજો તોડી ભીડ અંદર ઘૂસી
સિનિયર મેનેજરના જણાવ્યા અનુસાર, રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ હંગામો કરતી ભીડ ફેક્ટરીમાં જબરદસ્તી ઘુસી આવી. ભીડે ફેક્ટરીનો દરવાજો તોડી નાખ્યો અને દીપૂને સિક્યુરિટી રૂમમાંથી પોતાના કબજામાં લઈ લીધો. ફેક્ટરી સૂત્રોએ દાવો કર્યો કે હુમલાખોરો બાદમાં દીપૂને ફેક્ટરીની બહાર ખેંચીને લઈ ગયા, ત્યારબાદ સ્થાનિક લોકો પણ હુમલામાં જોડાયા અને તેને સ્થળ પર જ મારી નાખ્યો. ત્યારબાદ તેમણે તેની લાશને સળગાવી દીધી.
દીપૂ વિરુદ્ધ કોઇ પુરાવો મળ્યો જ નથી
મયમનસિંહમાં RAB-14ના કંપની કમાન્ડર મહમ્મદ શમ્સુજ્જમાને ગઇકાલે જ ધ ડેઇલી સ્ટારને જણાવ્યું કે એવો કોઈ પુરાવો મળ્યો જ નથી જે દર્શાવે કે મૃતકે ફેસબુક પર કંઈ એવું લખ્યું હતું જેના કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય. તેમણે આગળ કહ્યું, જ્યારે પરિસ્થિતિ બગડી, ત્યારે ફેક્ટરીને બચાવવા માટે તેને જબરદસ્તી ફેક્ટરીની બહાર કાઢવામાં આવ્યો. આ આરોપ પર કે દીપૂને ફેક્ટરીની સુરક્ષા માટે લોકોના હવાલે કરી દેવામાં આવ્યો હતો, સિનિયર મેનેજર સાકિબ મહમૂદે કહ્યું કે તેઓ આવું ક્યારેય કરી શકે નહીં.
અત્યાર સુધી 12 લોકોની ધરપકડ
બાંગ્લાદેશ પોલીસે દીપૂ ચંદ્ર દાસની હત્યાના મામલે અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી છે. પીડિતના ભાઈ અપુ ચંદ્ર દાસે શુક્રવારે ભાલુકા પોલીસ સ્ટેશનમાં 140–150 અજાણ્યા લોકો સામે કેસ નોંધાવ્યો છે.


