ખેડામાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વસો રામપુરના 54 વર્ષીય ચંદ્રકાન્ત પટેલને આજીવન કેદ ફટકારવામાં આવતા પીડિતાઓને ન્યાય મળ્યો છે. નરાધમ ચંદ્રકાન્ત પટેલે ચાર દીકરીઓ સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ નરાધમ બિસ્કિટની લાલચ આપી પોતાના ઘરે લઇ ગયો હતો, જે બાદ તેમની સાથે દુષ્કર્મ આચરતો હતો. આ કેસમાં કોર્ટ દ્વારા આરોપીને એક લાખ એકાવન હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સગીરાઓને વળતર પેટે રૂપિયા 2 લાખ ચૂકવવાનો આદેશ
વસો રામપુરના 54 વર્ષીય ચંદ્રકાન્ત પટેલ સામે 2024માં દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો. નડિયાદ સ્પેશ્યલ કોર્ટ દ્વારા આરોપી ચંદ્રકાન્ત પટેલને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે આરોપીને 1.50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. આ સાથે કોર્ટ દ્વારા સગીરાઓને વળતર પેટે રૂપિયા 2 લાખ ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સગીર વયની ચાર દીકરીઓ સાથે દુષ્કર્મ આચરનારા આરોપી ચંદ્રકાન્ત પટેલને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
ચંદ્રકાન્ત પટેલને કુદરતી મરણ પર્યન્ત કારાવાસની સજા
ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલા રામપુર ગામનો ચંદ્રકાન્ત પટેલ પેન્ટરનું કામ કરતો હતો. શાળામાંથી છૂટીને પરત જતી નાની બાળકીઓને પડીકા કે બિસ્કિટની લાલચ આપી પોતાના ઘરમાં લઇ જતો હતો. આ કુકર્મ આરોપી છેલ્લા એક વર્ષથી કરતો હતો. જે બાદ તેની સામે વર્ષ 2024માં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નડિયાદના સ્પેશીયલ પોક્સો જજ પી. પી. પુરોહિતની કોર્ટમાં કેસ ચલાવવામા આવ્યો હતો. ન્યાયાધીશ દ્વારા આરોપી ચંદ્રકાન્ત પટેલને કુદરતી મરણ પર્યન્ત કારાવાસની સજા સંભળાવી છે. આ સાથે આરોપી ચંદ્રકાન્ત પટેલને વિવિધ ગુનાસર કેદ અને કુલ 1 લાખ 51 હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે.


