વડોદરાના પાદરા તાલુકામાં આવેલા વડું ગામે વહીવટી તંત્ર દ્વારા લાંબા સમયથી જોખમી બનેલી પાણીની ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાઈ રહી હતી. આ પાણીની ટાંકી લગભગ ૨૫ વર્ષ જૂની હતી. સમય જતાં તેનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું હતું, જેના કારણે સ્થાનિક રહીશો અને પ્રશાસન માટે તે ચિંતાનો વિષય બની હતી.
આ ટાંકીને સુરક્ષાના કારણોસર ઉતારી લેવામાં આવી
કોઈ મોટી જાનહાનિ ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા તેને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટાંકી ધરાશાયી કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આસપાસના વિસ્તારમાં આગોતરા સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા. ટાંકી તોડવાની આ સમગ્ર કાર્યવાહીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ગણતરીની સેકન્ડોમાં જ વિશાળકાય પાણીની ટાંકી પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. જૂની ટાંકી દૂર થતા હવે ગ્રામજનોને નવી અને આધુનિક પાણીની ટાંકી મળશે તેવી આશા જાગી છે.


