દાહોદ શહેરના સંવેદનશીલ ગણાતા કસ્બા પટરીચોક વિસ્તારમાં આજે ધોળા દિવસે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો હિંસક અથડામણમાં ફેરવાયો હતો. સામાન્ય અદાવતમાં શરૂ થયેલી આ બબાલ એટલી હદે વધી ગઈ હતી કે હથિયારધારી શખ્સોએ જાહેરમાં ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, ઘટનાસ્થળે ૩ થી ૪ રાઉન્ડ ગોળીબાર થયો હતો, જેમાં બે વ્યક્તિઓને ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ગોળીબારના અવાજથી આસપાસના બજારમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિકોની મદદથી બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોલીસ એક્શન મોડમાં
ઘટનાની જાણ થતા જ દાહોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી ખાલી કારતૂસ કબજે કરવામાં આવ્યા છે અને ફાયરિંગ કરનાર શખ્સોની ઓળખ મેળવવા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પટરીચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં આ પ્રકારે ગોળીબાર થતા પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે. હાલમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad News : ગિફ્ટ સિટી પર રાજકારણ ગરમાયું, ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- દારૂબંધીમાં કોઈ બાંધછોડ નહીં…!


