શહેરના ઉત્રાણ વિસ્તારમાં એક શર્મજનક ઘટના સામે આવી હતી, જેમાં સામાન્ય બોલાચાલી બાદ પિતા-પુત્રએ મળીને એક નિઃસહાય વૃદ્ધ વોચમેનને બેરહેમીથી માર માર્યો હતો. આ સમગ્ર મામલે ઉત્રાણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા મુખ્ય આરોપી મનિષ પાનસુરીયાની ધરપકડ કરી લીધી છે.
ઉત્રાણમાં વોચમેનને માર મારનાર ઝડપાયો
ઉત્રાણ વિસ્તારની એક સોસાયટીમાં ફરજ બજાવતા વૃદ્ધ વોચમેન સાથે આરોપી મનિષ પાનસુરીયા અને તેના પિતાને કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી ગઈ કે પિતા-પુત્રએ આવેશમાં આવીને વૃદ્ધ વોચમેન પર હુમલો કરી દીધો હતો. માનવતા નેવે મૂકીને આ બંને શખ્સોએ વૃદ્ધને નિર્દયતાથી માર માર્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.
CCTVમાં કેદ થઈ ક્રૂરતા
આ સમગ્ર હુમલાની ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે કેવી રીતે પિતા અને પુત્ર વૃદ્ધ વોચમેન પર તૂટી પડ્યા હતા. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી અને સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખ કરી હતી.
પોલીસ કાર્યવાહી
ઘટનાની ગંભીરતાને જોતા ઉત્રાણ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી પુત્ર મનિષ પાનસુરીયાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.ઘટનામાં સામેલ આરોપી પિતા હાલ પોલીસ પકડથી દૂર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


