ઉત્તરાયણ પૂર્વે જ અમદાવાદમાં જીવલેણ દોરીનો કહેર શરૂ થયો છે, પરંતુ મેમ્કો બ્રિજ પર બનેલી એક ઘટનામાં શહેર પોલીસની સતર્કતાને કારણે એક આશાસ્પદ યુવકનો જીવ બચી ગયો છે. લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા યુવકને પોલીસે સમયસૂચકતા વાપરી પોતાની બાઇક પર હોસ્પિટલ પહોંચાડી ‘દેવદૂત’ સમાન ભૂમિકા ભજવી છે.
અમદાવાદમાં જીવલેણ દોરીનો કહેર શરૂ થયો
અમદાવાદના મેમ્કો બ્રિજ પરથી એક યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની કાચ પાયેલી દોરી તેના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે યુવકનું ગળું ગંભીર રીતે ચિરાઈ ગયું હતું અને તે બ્રિજ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.
પોલીસે બાઇક પર હોસ્પિટલ દોડાવી
ઘટના સ્થળે હાજર પોલીસ જવાનોએ પરિસ્થિતિની ગંભીરતા સમજી લીધી હતી. એમ્બ્યુલન્સની રાહ જોવામાં કિંમતી સમય વેડફાય તેમ હતો, તેથી પોલીસે માનવતા દાખવી યુવકને પોતાની બાઇક પર જ પાછળ બેસાડી દીધો અને તાત્કાલિક નજીકની ‘આનંદ સર્જીકલ હોસ્પિટલ’ ખાતે રવાના થયા હતા.
20 ટાંકા આવ્યા, પણ જીવ બચી ગયો
હોસ્પિટલના ડોક્ટરોએ યુવકની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. દોરીના ઘા એટલા ઊંડા હતા કે યુવકને ગળાના ભાગે 20 ટાંકા લેવા પડ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જો પોલીસે સમયસર યુવકને હોસ્પિટલ ન પહોંચાડ્યો હોત, તો વધુ પડતું લોહી વહી જવાને કારણે જીવનું જોખમ વધી શક્યું હોત.


