સુરતના ઓલપાડ તાલુકાના દેલાસા ગામની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં ઝીંગાના તળાવમાં ટ્રેક્ટરથી રિપેરિંગનું કામ કરતો ભગીરથ ચૌધરી નામનો યુવક દેલાસા ગામની ખાડીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા તણાઈ ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગત 21મી ડિસેમ્બરની સાંજે ભગીરથ ચૌધરી દેલાસા ગામની ખાડી માર્ગેથી કુવાદ ગામે જવા નીકળ્યો હતો. તે સમયે ખાડીમાં અચાનક દરિયાઈ ભરતીના પાણી આવી જતાં પ્રવાહ જોરદાર બન્યો હતો અને યુવક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
ખાડી પાર કરવા જતા યુવક પાણીમાં તણાયો
ખાડીના કિનારેથી યુવકની મોટરસાઈકલ અને ચપ્પલ મળી આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ સુરતના મોરા ભાગળ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના સાત જેટલા જવાનો દ્વારા ખાડીના ઊંડા પાણીમાં યુવકની સઘન શોધખોળ કરવામાં આવી રહી છે. હાલમાં ઓલપાડ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આકસ્મિક રીતે ભરતીના પાણીમાં યુવક લાપતા થતા તેના પરિવારમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.


