પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પોરાણા ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવાના ગંભીર મામલે ‘ક્રાફ્ટ પાવર ટુ લિમિટેડ’ નામની સોલાર કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કંપનીએ વહીવટી તંત્રની કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના પોરાણા ગામની સરકારી જમીન પર સોલાર પેનલો લગાવી દઈ મસમોટું દબાણ ઊભું કર્યું હતું. આ મામલો તંત્રના ધ્યાને આવતા અગાઉ કંપનીને જમીન ખાલી કરવા માટે વારંવાર નોટિસ પાઠવવામાં આવી હતી, તેમ છતાં કંપનીના સત્તાધીશોએ સરકારી આદેશોને અવગણીને દબાણ હટાવવાની તસ્દી લીધી ન હતી.
સરકારી જમીન પર કબજો
તંત્રની નોટિસ છતાં જમીન ખાલી ન કરાતા આખરે વહીવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને સોલાર કંપની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પેનલો લગાવીને વીજળી ઉત્પન્ન કરવાના આ કૃત્ય સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીને પગલે રાધનપુર પંથકમાં સરકારી જમીનો પર દબાણ કરનારા ભૂમાફિયાઓ અને અનધિકૃત કંપનીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે આ કંપનીના જવાબદાર અધિકારીઓની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : Surendranagar માં ED ની રેડ બાદ મોટી કાર્યવાહી, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ, કોર્ટમાં રજૂ કરાયો


