વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. વાઘોડિયાની શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ બારી ખોલવા જેવી તદ્દન નજીવી બાબતે તકરાર થઈ હતી. આ જૂની અદાવત મનમાં રાખીને, સાથી વિદ્યાર્થીએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને હુમલાનું કાવતરું ઘડ્યું હતું. હાલોલ બસ સ્ટેન્ડ પાસે જ્યારે ભોગ બનનાર વિદ્યાર્થી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પ્રખ્યાત લોકગાયક કમલેશ બારોટના પુત્રનું નામ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
સ્કૂલના ઝઘડાનું ભયાનક પરિણામ
પોલીસ ફરિયાદ અને કાયદેસરની કાર્યવાહી હુમલામાં ઘવાયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ હિંમત દાખવીને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પિતાના જણાવ્યા અનુસાર, શાળામાં થયેલા નાના ઝઘડાનો બદલો લેવા માટે તેમના પુત્ર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોર વિદ્યાર્થીઓ અને ગાયકના પુત્રની ભૂમિકા અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શાળાઓમાં વધતી જતી હિંસા અને વિદ્યાર્થીઓમાં ઘટતી જતી સહનશીલતા સામે લાલબત્તી ધરી છે.
આ પણ વાંચો : Morbi માં બે સ્કૂલ બસો વચ્ચે જોરદાર ટક્કર, અકસ્માતના લાઈવ CCTV ફૂટેજ થયા Viral


