૧૯૬૫ બોટલ સહિત ૧૯.૪૮ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ
રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પર દારૂની રેલમછેલ કરવાં બુટલેગર યાકુબ મોટાણી સક્રિય થયો છે. ત્યારે ગઈકાલે પીસીબીની ટીમે કુવાડવા નજીકથી રૂ.7.43 લાખના દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકની ધરપકડ કરી કુલ રૂ.19.48 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે સપ્લાયર યાકુબ મોટાણી અને રીસીવર હમીદ પરમારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરાઈ છે.
દરોડાની વિગત મુજબ, પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.જે.હુણની રાહબરીમાં પીએસઆઈ પી.બી.ત્રાજીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ વિજય મેતા, કુલદીપસિંહ જાડેજા, કરણ મારૂ અને કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણાને રાજકોટ-અમદાવાદ હાઇવે પર અમદાવાદથી રાજકોટ તરફ આવતા સર્વિસ રોડ ઉપર વિંગ્સ એગ્રીકલચરની સામેના ભાગે ખોડાભાઇ માલકીયા નામનો માણસ એક બ્રાઉન કલરનુ આઇસર નં.જીજે.13.એ.ડબલ્યુ. 8364 પાસે ઉભો છે અને તે આઇશ2માં ઇંગ્લીશ દારૂ ભરેલ છે તેવી ચોકકસ બાતમી મળતા ટીમે તુરંત દોડી જઈ દરોડો પાડ્યો હતો.પોલીસે ત્યાં હાજર શખ્સનું નામ પૂછતા પોતે પોતાનું નામ ખોડા નાથા માલકીયા (ઉ.વ.35),(રહે, ખોરાણા ગામ, ચોટીલા) હોવાનુ જણાવેલ હતું.
જે બાદ ત્યાં રહેલ આઈશરમાં તપાસ કરતાં તેમાં સફેદ કલરના પાર્સલ હોય જે પૈકી એક પાર્સલ કટર વડે ખોલી જોતા પાર્સલની આડમાં ઇંગ્લીશ દારૂના બોક્ષ ભરેલ હોય જેથી તમામ પાર્સલ નીચે ઉતારી તપાસ કરતા ગ્લાસ ફાયબર રો મટીરીયલ્સની આડમાંથી કુલ અલગ અલગ બ્રાન્ડની 1965 બોટલ મળી આવતાં રૂ.7.43 લાખનો દારૂ, આઈશર ટ્રક સહિત રૂ.19.48 લાખના મુદામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો રાજકોટના લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસા મોટાણીએ દમણ ખાતેથી રવાના કર્યો હતો અને તે રાજકોટના ભગવતીપરામાં રહેતાં બુટલેગર હમીદ જીકર પરમારને સપ્લાય કરવાનો હતો. હાલ પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી છે.
ઉલ્લેખનીય છે કે, લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણી દમણ બેસી સમયાંતરે રાજકોટમાં મોટા પ્રમાણમાં દારૂ ઠાલવી રહ્યો છે, છતાં પણ તે પોલીસ પકડથી દૂર છે. યાકુબ વિરુદ્ધ રાજકોટ સહિત રાજ્યભરના પોલીસ મથકમાં દારૂના ગુના નોંધાયેલ છે. જ્યારે બુટલેગર હમીદ વિરુદ્ધ પણ દારૂના અઢળક ગુના નોંધાયેલ છે.


