રાજયના સરહદી જિલ્લાઓમાં પોલીસનો થ્રી લેયર બંદોબસ્ત : હાઇ-વે અને મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલીંગ, SRP જવાનો પણ ફરજમાં જોડાયા
નવા વર્ષની ઉજવણી અને ખાસ કરીને 31 ડિસેમ્બરના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓની બોર્ડર પર પોલીસની થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે. મધ્યપ્રદેશની બોર્ડને અડીને આવેલા દાહોદ અને રાજસ્થાનને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર પોલીસ જવાનો સાથે SRPFના જવાનો પણ જોડાયા છે. જે સતત 24 કલાક અવર-જવર કરતા વાહનોનું બારીકાઇથી ચેંકિંગ કરી રહ્યા છે.
દાહોદ જિલ્લાની વાત કરીએ તો 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કુલ 24 જેટલી આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. સરહદી વિસ્તારોમાં ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મુખ્ય બોર્ડર ચેકપોસ્ટ, આંતરિક માર્ગો પર મોબાઈલ ચેકિંગ પોઈન્ટ અને હાઈવે તથા મુખ્ય માર્ગો પર સતત પેટ્રોલિંગનો સમાવેશ થાય છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં 24×7 વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશ સરહદ પર આવેલી ખંગેલા ચેકપોસ્ટ આ સુરક્ષા વ્યવસ્થાનુ મુખ્ય કેન્દ્ર છે. અહીં કતવારા પોલીસ સ્ટેશન દ્વારા દિવસ-રાત સતત વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા સ્ટોપ સ્ટિક, હેન્ડ ટોર્ચ જેવા સાધનોનો ઉપયોગ કરીને વાહનોની બારીકીથી તપાસ કરવામાં આવી રહી છે. ટ્રક અને મોટા વાહનોની નીચે તપાસ કરવા માટે અન્ડરબોડી મિરરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે ડિક્કી અને માલસામાન ચકાસવા માટે ખાસ ટૂલ કિટ રાખવામાં આવી છે.
DySPએ જણાવ્યું કે, બોર્ડર વિસ્તાર ઉપરાંત શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો, હાઈવે, ઢાબા અને સંવેદનશીલ સ્થળો પર પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી, નશામાં વાહન ચલાવવું કે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. નવા વર્ષને શાંતિપૂર્ણ, સલામત અને કાયદેસર રીતે ઉજવાય તે માટે દાહોદ જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.
કટર-સ્પેનર વડે ગુપ્ત ખાનાઓની તપાસ
વાહન ચેકિંગ દરમિયાન ચાલકો દારૂ પીને વાહન ચલાવી રહ્યા છે કે નહીં તે ચકાસવા માટે બ્રેથ એનાલાઈઝર મશીનનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ વાહનના દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી. બુક અને ઇ-ચલાન સિસ્ટમ મારફતે તાત્કાલિક વેરિફિકેશન કરવામાં આવે છે. શંકાસ્પદ વાહનોને સાઈડમાં ઊભા રાખીને સંપૂર્ણ સર્ચ કરવામાં આવે છે અને જરૂરી હોય ત્યાં કટર, સ્પેનર અને અન્ય સાધનો વડે વાહનમાં બનાવાયેલા ગુપ્ત ખાનાઓની તપાસ કરવામાં આવે છે.
ઉચ્ચકક્ષાના અધિકારીઓ બોર્ડર પર તૈનાત: DySP
આ બાબતે દાહોદના DySP જગદીશ ભંડારીએ જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને ખંગેલા જેવી સંવેદનશીલ સરહદો પર પી.એસ.આઈ. કક્ષાના અધિકારીઓ, સિનિયર પોલીસ અધિકારીઓ તેમજ એસ.આર.પી.ની ટુકડીઓની તૈનાતી કરીને રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ ચાલી રહ્યું છે. પ્રોહિબિશનને લઈને થતી તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


