માત્ર સાત મિનિટમાં સર કર્યા ડુંગર : કટેશિયા અસ્મિતા સતત ચોથા વર્ષે પ્રથમ : સ્પર્ધકોનું પ્રમાણપત્ર આપી સન્માન
આ વર્ષે સ્પર્ધકોએ જૂના તમામ રેકોર્ડ તોડીને પોતાની સફળતાની નવી કેડી કંડારી હતી. વિજેતા જાહેર થયેલા સ્પર્ધકોએ તેમની આ સિદ્ધિ પાછળની મહેનત અને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટેનો તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
સાપર ગામના વતની અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા પંચાળા સાહિલે આ વર્ષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને સૌને ચોંકાવી દીધા છે.
સાહિલે ગર્વભેર જણાવ્યું કે, ગયા વર્ષે મેં જ્યારે ભાગ લીધો ત્યારે મારો ૧૦મો નંબર આવ્યો હતો. પરંતુ એ હારથી નિરાશ થયા વગર મેં આ વર્ષે વધુ જોમ અને આકરી તૈયારી સાથે ફોર્મ ભર્યું હતું. પરિણામે આજે હું પ્રથમ સ્થાને રહ્યો છું. સાહિલની આ સફર ‘હારીને જીતનાર’ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે.
બહેનોની કેટેગરીમાં મેદાન મારનાર કટેશિયા અસ્મિતાએ માત્ર ૮ મિનિટ અને ૨૪ સેકન્ડમાં આ પડકાર પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેની ચપળતા અને સ્ટેમિના જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અસ્મિતાએ તેની સફળતાનો શ્રેય સતત પ્રેક્ટિસને આપ્યો હતો અને હવે તે આગામી ગિરનાર નેશનલ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે. ખાટડી ગામના મેહુલ ગલસરે ૭ મિનિટ અને ૦૯ સેકન્ડના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું છે. મેહુલે તેની સફળતા બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સ્પર્ધાએ તેનામાં નવો આત્મવિશ્વાસ ભર્યો છે. હવે તેનું લક્ષ્ય નેશનલ લેવલ પર ગુજરાતનું નામ રોશન કરવાનું છે.
મક્કમ મનોબળ ધરાવતી જાંબુકિયા રસીલાએ બહેનોની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. તેણે જણાવ્યું હતું કે ચોટીલાની આ જીત તેના માટે માત્ર એક શરૂઆત છે, હવે તે ગિરનાર ખાતે યોજાનારી પર્વતારોહણ સ્પર્ધા માટે તનતોડ મહેનત કરશે. સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવનાર શ્રેયા ભવાણિયાએ જણાવ્યું કે, ચોટીલાના ડુંગર પર સ્પર્ધામાં ભાગ લેવો એ પોતે જ એક લ્હાવો છે. ત્રીજા નંબરે વિજેતા બન્યા બાદ તેનો ઉત્સાહ બેવડાયો છે અને તે પણ હવે નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે આતુર છે.
આ સ્પર્ધા માત્ર દોડવાની કે ડુંગર ચડવાની નહોતી, પરંતુ યુવાનોના મનોબળ અને શારીરિક ક્ષમતાની કસોટી હતી. તમામ વિજેતાઓએ સાબિત કરી દીધું છે કે, જો મનમાં મક્કમ નિર્ધાર હોય અને સતત મહેનત કરવાની તૈયારી હોય, તો ગમે તેટલો ઊંચો ગઢ સર કરી શકાય છે. હવે આ વિજેતાઓ ગિરનાર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રાજ્યનું ગૌરવ વધારશે. નોંધનીય છે કે, ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં પર્વતારોહકને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા છેલ્લા છ વર્ષથી ચોટીલા આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. રાજ્યમાં સાહસિક રમતોને વેગ મળે તે માટે જુનાગઢ, પાવાગઢ, ઇડર અને ઓસમ ડુંગર ખાતે પણ આવી સ્પર્ધાઓ યોજીને પર્વતારોહકોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.


